



- કીમ નદી પરનો પુલ જોખમી બન્યો છે વાહન વ્યવહાર માટે અસર
- પુલની તપાસ નિષ્પક્ષ થાય તાત્કાલિક રીપેરીંગ થાય નહી થાય તો જનહિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે
ભરૂચ 14 ફેબ્રુઆરી (હિ.સ.) ભરૂચ જિલ્લામાં સરકારી વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે.રસ્તા,પાણી ,વીજળી કે કોઈપણ યોજના હોય કોન્ટ્રાક્ટરો જાણે બોડીબામણીનું ખેતર સમજી હદ વટાવી ગયા છે.કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના દાવાઓ વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ગાંધુ અને ડણસોલી ગામને જોડતા કીમ નદી પરના નવનિર્મિત પુલની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. આ મામલે સ્થાનિકોના રોષ બાદ હવે રાજકારણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ આ મામલે સીધો હસ્તક્ષેપ કરી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
ગાંધુથી ડણસોલીને જોડતો પુલ સ્થાનિકો માટે અવરજવરની મુખ્ય કડી છે, જે હાલ બિસમાર હાલતમાં છે. વાલિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય વસાવાએ સ્થળ પર જઈને પુલની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું, જેમાં લોટ-પાણીને લાકડા જેવી કામગીરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર હકીકતો અને પુરાવાઓ સાથે પ્રદેશ મહામંત્રીએ રાજ્ય સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે.
નબળી ગુણવત્તા: લોકાર્પણના ટૂંકા ગાળામાં જ પુલ કેમ જર્જરિત થયો? વપરાયેલા મટીરિયલની ગુણવત્તા તપાસવી જરૂરી. પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લો - સંદીપ માંગરોલા
મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં સંદીપ માંગરોલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે:જાહેર નાણાંથી બનેલા આ પુલની ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાય નહીં. આમાં જો બેદરકારી, ગેરવહીવટ કે ભ્રષ્ટાચાર જણાશે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને કાયદાના શરણે લાવવા જોઈએ. પ્રજાની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને છોડવામાં ન આવે.
કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પુલની તપાસ નિષ્પક્ષ રીતે નહીં કરવામાં આવે અને તાત્કાલિક રીપેરીંગ કે નવું આયોજન નહીં થાય, તો જનહિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ