
પાટણ, 14 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુરની શ્રીસ્થળ ઇંગ્લિશ સ્કૂલ ખાતે 26 ફેબ્રુઆરી, 2024ના રોજ મહા શિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે 8:30થી 10:30 દરમિયાન યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ શાળાના ચેરમેન અજિતભાઈ અને શિક્ષણ પ્રશાસક વિજયભાઈ દ્વારા ભગવાન શિવ અને દેવી પાર્વતીના પૂજન સાથે થયો હતો. જીતેન્દ્રભાઈએ સ્વાગત પ્રવચન રજૂ કરી કાર્યક્રમને પ્રેરણાદાયક શરૂઆત આપી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શિવ મહિમાનું વર્ણન કરતા ભજન અને ભક્તિગીતોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓએ શિવ તાંડવ તથા ભક્તિ નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓએ મહા શિવરાત્રીના પૌરાણિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ પર વક્તવ્ય આપી પર્વના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. વરિષ્ઠ શિક્ષક મહેશભાઈએ તહેવારની પૃષ્ઠભૂમિ વિશે માહિતગાર કર્યા હતા.
આચાર્ય અવનીબેન અને રેશ્માબેને વિદ્યાર્થીઓને તહેવારના મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાની સમજ આપી હતી. પરેશાબેન, સંગીતાબેન અને પ્રણવભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને અંતે પરેશાબેન દ્વારા આભાર વિધિ સાથે સમાપન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ