સુરતમાં 227 ક્રેડિટ કાર્ડ સાથે 3 શખ્સ ઝડપાયા, APK ફાઇલથી ખાતાં સાફ કરતું નેટવર્ક ખુલ્યું
સુરત, 15 ફેબ્રુઆરી (હિ.સ.): સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરતાં જામતારા ગેંગ સાથે જોડાયેલા, ત્રણ સ્થાનિક શખ્સોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ લોકો સાથે થયેલા સાયબર ફ્રોડમાંથી મળતી કાળી કમાણી સફેદ કરવાની કામગીરી કરતા હતા. તપાસ દરમિયાન પોલીસને આર
Surat


સુરત, 15 ફેબ્રુઆરી (હિ.સ.): સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરતાં જામતારા ગેંગ સાથે જોડાયેલા, ત્રણ સ્થાનિક શખ્સોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ લોકો સાથે થયેલા સાયબર ફ્રોડમાંથી મળતી કાળી કમાણી સફેદ કરવાની કામગીરી કરતા હતા. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ, POS મશીનો અને લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનના પુરાવા મળ્યા છે. આ ગેંગ 10 ટકા કમિશન લઈને આ ગેરકાયદેસર નાણાંનું પરિવહન કરતું હોવાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યોસ જ્યારે 20 નવેમ્બર 2025ના રોજ એક યુવકના વોટ્સએપ પર ‘Digital RTO E-Challan.APK’ નામની શંકાસ્પદ ફાઇલ મોકલવામાં આવી હતી. ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઇલ હેક થઈ ગયો અને હેકર્સે તે જ ફાઇલ અન્ય કોન્ટેક્ટ્સને પણ મોકલી. આ રીતે ફરિયાદીના દીકરાએ ફાઇલ ઇન્સ્ટોલ કરતાં, તેના બેંક ખાતામાંથી ટુકડા-ટુકડામાં કુલ ₹5.02 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.

ઘટના બાદ પીડિત પક્ષે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાઈ. ટેકનિકલ તપાસ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસે સૌપ્રથમ રાજકોટના નિશીત નથવાણી અને ઝારખંડના જામતારાના ગૌતમ મંડલને ઝડપી પાડ્યા. તેમની પૂછપરછમાં સુરત સાથે જોડાયેલા વધુ શખ્સોની સંડોવણી બહાર આવી હતી.

તપાસમાં ખુલ્યું કે જામતારા ગેંગે સુરતમાં, પોતાના એજન્ટો બનાવ્યા હતા, જે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના ધંધાનો ઉપયોગ કરીને ફ્રોડના નાણાંને કાયદેસર બતાવતા હતા. ચોરી કરેલા નાણાં ક્રેડિટ કાર્ડમાં ભરી દેવામાં આવતા અને પછી ATM અથવા CDM મારફતે રોકડ સ્વરૂપે મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા.

પોલીસે, અશ્વિન ગાંગાણીની ઓફિસ પર દરોડો પાડી 2 મોબાઇલ, 1 CPU, 2 POS મશીન અને મોટી સંખ્યામાં ક્રેડિટ કાર્ડ જપ્ત કર્યા હતા. એક POS મશીનમાં જ ₹92.53 લાખના ટ્રાન્ઝેક્શન નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત RBL બેંકના 30 કાર્ડ સામે અગાઉ પણ અનેક સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચુકી છે.

પકડાયેલા આરોપીઓમાં એક સિવિલ એન્જિનિયર અને એક બી.કોમ ગ્રેજ્યુએટનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે, આ યુવાનો ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આવીને ગેંગ માટે મની ટ્રાન્સફર અને મની લોન્ડરિંગનું કામ કરતા હતા. આ કેસથી ફરી એકવાર સાબિત થયું છે કે APK ફાઇલ અને સોશિયલ એન્જિનિયરિંગ સાયબર ગુનેગારોનું નવું હથિયાર બની રહ્યું છે. હાલ પોલીસ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધમાં તપાસ આગળ ધપાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande