

પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.)હારીજ તાલુકાના બોરતવાડા ગામે મહાશિવરાત્રી નિમિત્તે બાળકોમાં સાયકલ ચલાવવાની અનોખી પરંપરા છેલ્લા લગભગ 70 વર્ષથી ચાલી આવે છે. શિવરાત્રીના દિવસે ગામમાં ચારેબાજુ બાળકો સાયકલ ચલાવતા અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવતા જોવા મળે છે, જે પર્વની ઉજવણીમાં અનેરો ઉત્સાહ ઉમેરે છે.
આ પરંપરાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ગામમાં વાહનવ્યવહારની સુવિધા ઓછી હતી અને સાયકલનું મહત્વ વધુ હતું. તે સમયના બાળકો બોરતવાડાથી હારીજ તાલુકા મથકથી કલાકના ભાડે સાયકલો લાવીને શિવ મંદિરે દર્શન કરવા જતા અને આખો દિવસ સાયકલ ચલાવી આનંદ માણતા. ત્યારથી આ પ્રથા સતત જળવાઈ રહી છે.
શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ બાળકો ભગવાનના દર્શન કર્યા પછી ગામમાં સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. ઘણા બાળકો ખાસ આ દિવસ માટે જૂની સાયકલોનું સમારકામ કરાવે છે અથવા નવી સાયકલ ખરીદે છે, જેથી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરી શકે.
ગામના રામજી મંદિરના મહંત નરસિંહભાઈ સાધુ જણાવે છે કે તેઓ છેલ્લા 55 વર્ષથી આ પરંપરા નિહાળી રહ્યા છે. બાળકોને વર્ષ દરમિયાન સાયકલ ન હોય તો ચાલે, પરંતુ શિવરાત્રીના દિવસે તેમને સાયકલ અપાવવી જ પડે છે, કારણ કે તેઓ આખો દિવસ ગામ અને મંદિરના ચક્કર સાયકલ પર જ લગાવતા રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ