
સોમનાથ 15 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયેલા પર્વના પહેલા દિવસે સોમનાથ પધારેલા સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે પોતાના અવાજમાં શ્રદ્ધાળુઓને શિવમય બનાવ્યાં હતાં. કૈલાશ ખેરે સોમનાથ મંદિર દર્શન અને પ્રભાસક્ષેત્રમાં આગમનનો અવિસ્મરણિય અનુભવ વ્યક્ત કર્યો હતો.
કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, ગુજરાત એ એક એવી ધરતી છે, જેના અલગ-અલગ ભાગમાં આધ્યાત્મિક વિસ્મય છૂપાયેલા છે. ભારતમાં મહેલ અને કિલ્લાઓ અઢળક જગ્યાએ છે પરંતુ ગુજરાત એવી ધરતી છે, જ્યાં મહેલ-કિલ્લાઓની સાથે જ ધર્માલય, દેવાલય અને મંદિરોની ભૂમિ છે.
મંદિરની વાત કરતા કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સહિત ગુજરાતની ભૂમિ પરના મંદિરોની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે. જે સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ચેતનાનો સંદેશો આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા આધ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે અઢળક કાર્ય થઈ રહ્યું છે.
પૌરાણિક ભૂમિ પર સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સરકાર ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. સમગ્ર ભારતને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આમ કહી તેમણે વડાપ્રધાનનો અને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ