
પાટણ, 15 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી (લક્ષ્મીપુરા) ગામમાં લાયસન્સ વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો એક બોગસ ડોક્ટર પાટણ SOG શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી દવાઓ, ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ ₹4186.86નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
SOG શાખાના પોલીસ કર્મચારીઓ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વદાણી ગામના ખાડિયા વિસ્તારમાં એક વ્યક્તિ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી એક દુકાનમાં રેડ પાડી હતી.
તપાસ દરમિયાન દુકાનમાં ટેબલ, ખુરશી અને પલંગ સાથે મેડિકલ સેટઅપ મળી આવ્યું હતું. સ્થળ પર હાજર વ્યક્તિએ પોતાનું નામ ભાસ્કરભાઈ મણીલાલ મિસ્ત્રી (રહે. પંચરત્ન સોસાયટી, બ્લોક નં-07, પાટણ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે મેડિકલ પ્રેક્ટિસ અંગે આધાર-પુરાવા માંગતા આરોપીએ માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હોવાનું અને કોઈ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવાની કબૂલાત કરી હતી. તે અનુભવ અને અનુમાનના આધારે દર્દીઓને એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શન આપી સારવાર કરતો હતો.
દુકાનમાંથી ન્યુટ્રીઝાઈમ ડ્રોપ્સ, ઓફ્લોટાસ સીરપ, ડ્રીકોલ્ડ ડીએસ સીરપ, ઓગ્યુકા ડ્રાય સીરપ, ઇન્જેક્શન એલડરવિટ, બીપી માપવાનું મશીન અને સીરીંજ સહિત કુલ 15 પ્રકારની દવાઓ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 319(2) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ