
પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ મથકે રૂ. 1.25 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. વારાહી APMC માર્કેટમાં જયવીર ટ્રેડર્સના માલિક પ્રવીણકુમાર જેહાભાઈ ચૌધરીએ ઊંઝા માર્કેટના એજન્ટ અમરતભાઈ જેશંગભાઈ ચૌધરી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 316(5) હેઠળ ગુનો નોંધાવ્યો છે.
ફરિયાદ મુજબ, પ્રવીણકુમાર છેલ્લા પાંચ વર્ષથી જીરું, વરિયાળી અને ઈસબગુલનો વેપાર કરે છે. સમાન સમાજના અને વ્યવસાયિક પરિચયને આધારે તેમણે 20 માર્ચ 2024 થી 13 જુલાઈ 2024 દરમિયાન આરોપીને એજન્ટ તરીકે કુલ રૂ. 10,34,34,360 નો માલ વેચાણ માટે મોકલ્યો હતો.
આરોપીએ વેચાણ પેટે રૂ. 9,09,34,360 પરત ચૂકવ્યા હતા, પરંતુ બાકી રહેલી રૂ. 1,25,00,000 રકમ વારંવાર માંગવા છતાં આપી ન હતી. વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પાવતીઓ અને સહી કરેલા કોરા ચેક આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ઊંઝા APMCમાં વિવિધ પેઢીઓમાં માલ વેચીને કમિશન અને રકમ મેળવી લીધી હતી, પરંતુ મૂળ રકમ ફરિયાદીને પહોંચાડી નહોતી. વારાહી પોલીસ દ્વારા PSI વાય.એન. પટેલ વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ