
જુનાગઢ, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : મહાશિવરાત્રિ મેળો-૨૦૨૬ દરમિયાન યાત્રાળુઓને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે માટે જૂનાગઢ પાણી પુરવઠા બોર્ડ દ્વારા વ્યાપક આયોજન અને સુચારૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે પાણી સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યપાલક ઇજનેર દ્વારા મેળા દરમિયાન સંકલન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. મહાશિવરાત્રીના મેળા દરમિયાન મહાનગરપાલિકાને આશરે ૯૫ જેટલી ૫૦૦૦ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, ગત વર્ષે ૬૦ ટાંકી હતી. જૂનાગઢ ભવનાથ ખાતે મીની કુંભરૂપ મેળાને ધ્યાનમાં રાખીને વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.
પાર્કિંગ વિસ્તાર અને પદયાત્રાના માર્ગો પર પેગોડા, પાણીના જગ પોઈન્ટ અને ટાંકીના સ્થળો પૂર્વ આયોજન મુજબ નક્કી કરવામાં આવ્યા હતાં, જેથી દરેક જગ્યાએ યાત્રાળુઓને નિકટમાં પાણી ઉપલબ્ધ રહે. મેળા શરૂ થતા પહેલા પાણી પુરવઠાની જિલ્લા લેબોરેટરી દ્વારા વોટર સેમ્પલ લેવામાં આવ્યા અને IS ૧૦૫૦૦ ધોરણ મુજબ તપાસ પણ કરવામાં આવી હતી. મેળા દરમિયાન પાણીની ગુણવત્તા જાળવવા માટે કુલ ૪૦૦થી વધુ સેમ્પલનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ક્લોરિનેશન યોગ્ય હોવાનું નોંધાયું હતું.
પીવાના પાણીના પોઈન્ટ પર સમયસર રીફિલિંગ અને દેખરેખ માટે પાંચ ટુ-વ્હીલર અને ૨૧ ફિલ્ડ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી. સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ દ્વારા સતત સંકલન જાળવવામાં આવ્યું હતું. મેળા દરમ્યાન કુલ ૭૧ ફરિયાદો મળી હતી તેનું તાત્કાલિક નિવારણ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકા ટીમના સંકલિત પ્રયાસથી સમગ્ર મેળામાં પાણીની વ્યવસ્થા સફળ અને સુચારૂ રહી હતી. શ્રદ્ધાળુઓ તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ