
પાટણ, 03 ફેબ્રુઆરી (હિ.સ.) : હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં ઇનોવેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય DIY (Do It Yourself) કિટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીન વિચારધારા, પ્રાયોગિક કૌશલ્ય અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વિકસાવવાનો હતો. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને DIY કિટની કાર્યપદ્ધતિ, તેના ઉપયોગો તથા સ્વનિર્મિત પ્રોજેક્ટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી.
માર્ગદર્શકોએ વિદ્યાર્થીઓને જાતે જ કિટ એસેમ્બલ કરાવીને ટેકનિકલ સમજણ આપી હતી અને નવા પ્રયોગો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.
કાર્યક્રમના સમાપન પ્રસંગે ઇનોવેશન ક્લબના સંયોજક ડૉ. કમલેશ પટેલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમનું સફળ આયોજન કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબના ઇન્ચાર્જ ડૉ. કમલેશભાઈ પટેલ અને પ્રાધ્યાપકોના સહયોગથી થયું હતું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ