



પોરબંદર, 03 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા પોરબંદરમાં આયોજિત '8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર'ના બીજા દિવસે પ્રતિભાગીઓ માટે ગોસાબારા-મોકરસાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ ખાતે વિશેષ ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા વેટલેન્ડનુ મહત્વ અને ડેટા કલેક્શનની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
આ ફિલ્ડ વિઝિટ દરમિયાન વિષય નિષ્ણાંતો તેમજ ગીર ફાઉન્ડેશનની રિસર્ચ ટીમે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રતિભાગીઓએ વેટલેન્ડ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંની સ્થાનિક વનસ્પતિ, પક્ષી સૃષ્ટિ અને જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ માટે ઉપયોગી પરંપરાગત જ્ઞાન વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આ સાથે જ સ્થાનિક સમુદાયો સાથે સંકળાયેલા પરંપરાગત જ્ઞાનના આદાન-પ્રદાન માટે હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી.
ફિલ્ડ વિઝિટ બાદ યોજાયેલા સમાપન સત્રમાં પ્રતિભાગીઓએ પોતપોતાના અવલોકનો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં વેટલેન્ડ અને સાંસ્કૃતિક વિરાસત વિષય પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બે દિવસીય આ સેમિનારના અંતે વેટલેન્ડ સંરક્ષણ માટે સામુદાયિક ભાગીદારી અને વૈજ્ઞાનિક અભિગમના સમન્વય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya