

પાટણ, 03 ફેબ્રુઆરી (હિ.સ.) : સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના ઇનોવેશન ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે દ્વિદિવસીય પ્રોટોટાઇપ ડિઝાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સર્જનાત્મકતા અને વ્યવહારુ વિચારશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો.
વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને સમસ્યાઓની ઓળખ, ડિઝાઇન થિંકિંગ, આઇડિયા જનરેશન, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ તથા ટીમવર્કના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાત માર્ગદર્શકો ડૉ. પાર્થ રાવલ અને ડૉ. જૈમિન પ્રજાપતિએ વાસ્તવિક ઉદાહરણો સાથે પ્રાયોગિક તાલીમ આપી હતી.
બંને દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ જૂથોમાં કાર્ય કરીને પોતાની નવીન કલ્પનાઓને પ્રોટોટાઇપ સ્વરૂપે તૈયાર કરી હતી. વર્કશોપના અંતે વિવિધ ટીમોના પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન યોજાયું હતું અને શ્રેષ્ઠ પ્રોટોટાઇપ્સને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ટેકપાલસિંહ આનંદ અને ઇનોવેશન ક્લબના સંયોજક ડૉ. કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉદ્યોગસાહસિક વિચારસરણી માટે અત્યંત ઉપયોગી છે. તેમણે ભવિષ્યમાં પણ આવા વધુ નવીન કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ