
પાટણ, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ શહેરના શાંકુતલ રોયલ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધને એક યુવક દ્વારા પૈસાની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, પાટણની રાજનગરી સોસાયટીમાં રહેતો દર્શન પ્રવીણભાઈ પટેલ ગત 27/05/2025ના રોજ વૃદ્ધની પુત્રવધૂ સાથે મૈત્રી કરાર કરી તેને પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં મૈત્રી કરાર રદ કરી કેટલીક શરતો સાથે પુત્રવધૂને પરત સોંપી હતી.
આ ઘટનાના પછી 22/09/2025ના રોજ વહેલી સવારે આરોપીએ વૃદ્ધના મોબાઈલ પર મેસેજ અને વોટ્સએપ કોલ કરી ગાળો આપી ધમકી આપી હતી. ફરીથી 31/01/2026ના રોજ સવારથી રાત સુધી સતત મેસેજ કરી પૈસાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વારંવાર મળતી ધમકીઓથી કંટાળી વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દર્શન પ્રવીણભાઈ પટેલ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 296(b) અને 351(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ પ્રહલાદસિંહ ઝાલાને સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ