
પાટણ, 04 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુર હાઈવે પર સરસ્વતી નદી પર નવા મંજૂર થયેલા બ્રિજની હદ માપણી દરમિયાન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પર સ્થાનિક શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી મારપીટ, મોબાઈલ ઝૂંટવી લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મહેસાણા–પાલનપુર હાઈવે પર સિદ્ધપુર નજીક સરસ્વતી નદી પર નવા બ્રિજનું નિર્માણ મંજૂર થયું છે. આ સંદર્ભે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે માર્ગ અને મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર પરેશ જુડાલ તેમની ટીમ સાથે હદ માપણી માટે સ્થળ પર પહોંચ્યા હતા.
ઈજનેર પરેશ જુડાલ સાથે સંજીવ પ્રજાપતિ, મયંક ડામોર અને DILRના સર્વેયર હરેશભાઈ હાજર હતા. તેઓ ખળી ચાર રસ્તા પાસે હાઈવેની પૂર્વ બાજુએ આવેલી એક ભંગારની દુકાન નજીક ખેતરમાં માપણી કરી રહ્યા હતા.
આ દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી ‘અમને પૂછ્યા વગર કેમ માપણી કરો છો?’ કહીને તકરાર કરવા લાગ્યા હતા. કર્મચારીઓએ આ સરકારી કામગીરી હોવાનું સમજાવ્યા છતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગાળાગાળી કરવા લાગ્યા અને મોબાઈલમાં વીડિયો ઉતારતા અટકાવી ધમકીઓ આપી હતી.
આરોપીઓએ કર્મચારીઓના મોબાઈલ ફોન અને ડાયરી ઝૂંટવી ફેંકી દીધી તેમજ એન્જિનિયર સહિતના સ્ટાફને માર માર્યો હતો, જેમાં ઈજનેરના કપડાં પણ ફાટી ગયા હતા. બાદમાં કર્મચારીઓ ઓફિસે પરત ફર્યા હતા. તપાસમાં હુમલાખોરોની ઓળખ થઈ છે, જેમાં એક ભંગાર વેપારીનો સમાવેશ થાય છે. આ મામલે 3 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ