
પાટણ, 11 માર્ચ (હિ.સ.)હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય અરૂણ ઠાકોરને ગંજ બજારમાં નોકરી પર જતાં ચાર અજાણ્યા શખ્સોએ ગાડીમાં અપહરણ કરીને તેની પર ઢોર માર માર્યો, જેના કારણે તેનું મોત થયું. અરૂણના પરિવારમાં આ ઘટના અંગે ભારે શોક છવાઈ ગયો છે અને સરપંચના પતિ વિનોદજી મહાદેવજી ઠાકોરએ આ હત્યાને જૂની અદાવત સાથે જોડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતરવાડાના રહેવાસી અરૂણ ગંજ બજારની પેઢીમાં નોકરી કરતો હતો. રોજની જેમ તે નોકરી પર જતાં, ચાર અજાણ્યા શખ્સોએ તેને ગાડીમાં બેસાડીને અપહરણ કરી દીધું હતું.
અપહરણકર્તાઓ અરૂણને એક અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા, જ્યાં તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓથી તેને માર મારવામાં આવ્યો, જેના પરિણામે અરૂણ બેહોશ થઈ ગયો હતો. બાદમાં, શખ્સો તેને બેહોશ છોડી ફરાર થઈ ગયા.
ઘટનાની જાણ થતાં, પરિવારજનો તેને પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તે નાજુક હાલતમાં હોવાનું જણાતા, તેને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ મોકલવામાં આવ્યો. ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું. પોલીસ હવે ગુનામાં જોડાયેલા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ