

મહેસાણા, 11 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ગેસ સપ્લાય વ્યવસ્થા સુચારૂ રાખવા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેકટર એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં કાર્યરત વિવિધ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ સાથે સંકળાયેલા ગેસ એજન્સી ધારકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં આવેલી કુલ 38 ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં HPCL ની 16, IOCL ની 11 અને BPCL ની 11 ગેસ એજન્સીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરો તથા સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર LPG સિલિન્ડરોની કાળાબજારી અને બિનજરૂરી સંગ્રહ અટકાવવા એજન્સી ધારકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રાહકોને નિયત ભાવ, યોગ્ય વજન અને સમયસર સિલિન્ડર પહોંચાડવા ખાસ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG, CNG અને PNG માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા અનાવશ્યક બુકિંગ ટાળવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રાખવા તંત્ર દ્વારા સઘન મોનીટરીંગ પણ હાથ ધરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR