
ગીર સોમનાથ, 11 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમિયાન ૧૮૧ ‘અભયમ્’ મહિલા હેલ્પલાઈન દ્વારા જિલ્લામાં કુલ ૨૭,૪૮૮ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સૂચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવી છે.
૧૮૧ ’અભયમ્’ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ્ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને ૫,૯૨૭ જેટલી મહિલાઓને મદદ કરવામાં આવી છે. જાન્યુઆરી-૨૦૨૫ થી ડિસેમ્બર-૨૦૨૫માં ૧૮૧ ‘અભયમ્’ મહિલા હેલ્પલાઈન દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૫૨૯ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ્ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ જઇને મદદ પુરી પાડવામાં આવી છે.
જેમાંથી કુશળ કાઉન્સિલિંગ દ્વારા ૪૦૮ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. તેમજ, ૧૧૮ જેટલા કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સતામંડળ, ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત, ઘરવિહોણાં કે અજાણ્યા મળી આવેલ હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો અપાવ્યો છે. ઘણા કિસ્સાઓમાં ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરેથી ભૂલા પડેલ હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સુઝબૂઝથી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. ૨૪x૭ કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે.
રાજ્યમાં દોડતી ૫૯ અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગથી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે.
ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા '૧૮૧ મોબાઈલ એપ' માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફિચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.
આ હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ, લગ્ન જીવનના વિખવાદો, કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિ:શુલ્ક લાભ લઈ શકે છે.
નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ