
જુનાગઢ, 11 માર્ચ (હિ.સ.) : દેશભરમાંથી નિરક્ષરતા નાબૂદ કરવા માટે ભારત સરકાર દ્વારા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ૨૦૨૨-૨૦૨૭ શરૂ છે, જે જૂનાગઢ જિલ્લામાં અંતર્ગત સાક્ષરતાની તાલીમ મેળવેલા ૧૫૩ જેટલા તાલીમાર્થીઓ તા.૧૫મી માર્ચે સાક્ષર થવા માટે સંલગ્ન પ્રાથમિક શાળા ખાતે FLNAT - ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એસેસમેન્ટ ટેસ્ટ પરીક્ષા આપશે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લી વસ્તી ગણતરી મુજબ આશરે ૧ લાખ જેટલા નિરીક્ષરો નોંધાયેલા હતા, જે પૈકી અંદાજે ૬૦ હજાર જેટલા નિરીક્ષરોને જરૂરી તાલીમ બાદ ઉક્ત પરીક્ષા આપીને સાક્ષર બની ચૂક્યાં છે.
આ પરીક્ષા તથા નિરક્ષરોના સર્વે હાથ ધરવા સંદર્ભે નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળામાં નિરક્ષરો માટે યોજાનાર FLNAT ની પરીક્ષાના સુચારું આયોજન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત જુદી જુદી કચેરીઓમાં રેકર્ડ પર જોવા મળતા નિરીક્ષરોની યાદી તૈયાર થાય એટલે કે, તેના સર્વે સંદર્ભે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બેંક સહિત જુદી જુદી કચેરીઓમાં કામકાજ અર્થે અરજદારો દ્વારા સહીની જગ્યાએ અંગૂઠો લગાવવામાં આવતો હોય છે તેના પરથી પણ નિરીક્ષરોની ઓળખ કરવામાં આવે છે. મહત્વનું છે કે, FLNAT - ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એસેસમેન્ટ ટેસ્ટ પરીક્ષા દર છ માસે યોજવામાં આવે છે. ઉપરાંત નિરક્ષરોને સાક્ષર કરવા માટે ૨૦૦ કલાકની તાલીમ પણ આપવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીમાંથી શિક્ષણ નિરીક્ષક લક્ષ્મણ કરમટા, નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી અલ્પા તારપરા, DIETના પ્રાચાર્ય, પ્રોગ્રામ ઓફિસર ICDS, રોજગાર અધિકારી સહિતના સલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ