
ગીર સોમનાથ 12 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને નાગરિકો સહિત ખેત મજૂરો, રોડકામ તથા બાંધકામ કરતા મજૂરોને સન સ્ટ્રોક (લૂ) લાગવાની શક્યતા ઘણી વધારે રહેલી છે. જેથી જનતાને સનસ્ટોક(લૂ) થી બચાવવા આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથની જનતાને માર્ગદર્શિકાના માધ્યમથી અપીલ કરવામાં આવી છે.
લૂ લાગવાના(સનસ્ટ્રોક) ના લક્ષણોમાં માથું દૂખવુ, ૫ગની પીંડીઓમા દુખાવો થવો, શરીરનું તા૫માન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુદ્ધબુદ્ધ ગુમાવી દેવી, (મૂંઝવણ) અતિ ગંભીર કિસ્સામા ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે.
લૂ થી બચવા સીધા સુર્યપ્રકાશથી બચવું તેમજ વારંવાર અને શકય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું. લૂ લાગવાની સ્થિતીમાં લીંબુ શરબત, મોળી છાસ, તાળફળી, અને નારીયેળનું પાણી તથા ખાંડ-મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમા પીવું જોઈએ.
ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાયાંમા રહેવું, ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા ક૫ડા ૫હેરવા. ટોપી, ચશ્મા, છત્રીમાં માથું ઢંકાય તેમ ઉ૫યોગ કરવો.
નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, ગરમીમા બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહી, બજારમા વેચાતા બરફનો ઉ૫યોગ ટાળવો. આર્યુવેદની દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમા ૫લાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી. તરબુચનો ઉ૫યોગ સવારે અને બપોરે કરવો.
લૂ લાગવાના કિસ્સાઓમા જો તાત્કાલીક તબીબી સારવાર લેવામાં ન આવે તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સં૫ર્ક કરવા આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ