પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં પાટણની જ્યુડિશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો
પાટણ, 13 માર્ચ (હિ.સ.) : જૂન 2023માં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં પાટણની જ્યુડિશિયલ કોર્ટે મહત્વનો ચુકાદોઆપ્યો છે. મેજિસ્ટ્રેટ ડો. હિરલબેન પી. જોશીએ આરોપી ઘંટીસિંગ નારસિંગ ખિચી અને જાપ્તામાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓને શ
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં પાટણની જ્યુડિશિયલ કોર્ટે મહત્વનો ચુકાદોઆપ્યો


પાટણ, 13 માર્ચ (હિ.સ.) : જૂન 2023માં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર થવાના કેસમાં પાટણની જ્યુડિશિયલ કોર્ટે મહત્વનો ચુકાદોઆપ્યો છે. મેજિસ્ટ્રેટ ડો. હિરલબેન પી. જોશીએ આરોપી ઘંટીસિંગ નારસિંગ ખિચી અને જાપ્તામાં રહેલા ચાર પોલીસ કર્મચારીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે.

ઘટના 8 જૂન, 2023ની છે. સુજનીપુર જેલમાં બંધ ઘંટીસિંગ ખિચીને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં એક્સ-રે રૂમ પાસે પોલીસની નજર ચૂકવી તે ફરાર થઈ ગયો હતો.

આ કેસમાં બાલીસણા પોલીસ સ્ટેશનમાં ઘંટીસિંગ સાથે એ.એસ.આઈ. અભેરામ, હેડ કોન્સ્ટેબલ અમૃતજી, લોકરક્ષક હરેશભાઈ અને કોન્સ્ટેબલ અભેસિંહ સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓ તરફથી એડવોકેટ શૈલેષ એમ. સોલંકી, આર.એસ. વણકર અને જે.સી. ઠાકોરે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી.

કોર્ટના 47 પાનાના ચુકાદામાં તપાસમાં ગંભીર ખામીઓ નોંધાઈ હતી. તપાસ દરમિયાન હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવાયા નહોતા અને પંચ સાક્ષીઓએ પણ ફરિયાદ પક્ષને સમર્થન આપ્યું નહોતું.

કોર્ટના અવલોકન મુજબ જેલના નિયમોનું પણ ઉલ્લંઘન થયું હતું અને પૂરતો પોલીસ જાપ્તો ન હોવા છતાં કેદીઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ તમામ ખામીઓને ધ્યાનમાં રાખી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande