
સુરત, 14 માર્ચ (હિ.સ.)-આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બારડોલીના ગાંધી રોડ સ્થિત પ્રજાપતિ સમાજની વાડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ જમનાબેન રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પોષણપ્રદાન મિલેટ ધાન્ય અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર મુકાયો હતો.
કાર્યક્રમમાં કૃષિ તથા કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, મિલેટ પાકોના ઉત્પાદન, પોષણમૂલ્ય અને વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વિશેષરૂપે બારડોલી તાલુકાના ૫૪૬૩ ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના ૨૨મા હપ્તા રૂપે પ્રતિ ખેડૂત રૂ. ૨૦૦૦ની સહાય રકમ જમા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મદદનીશ બાગાયત અધિકારી નિરવભાઈ, બાગાયત અધિકારી પરીક્ષિતભાઈ, ખેતી અધિકારી લાલજીભાઈ ઇટાલિયા અને વિસ્તરણ અધિકારી મયુરભાઈ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક કૃષિના લાભો, બાગાયત ખેતીની યોજનાઓ તથા ખેડૂતલક્ષી સહાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના ૨૨મા હપ્તાની સહાય ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી, જેનું લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય રેખાબેન હળપતિ, તાલુકા પંચાયત સભ્ય કાંતુભાઈ પ્રજાપતિ, નાની ભટલાવના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે