સુરત શહેર-જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા વહીવટીતંત્રની અપીલ
સુરત, 14 માર્ચ (હિ.સ.)-મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ અને આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તથા સંબંધિ
એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ


સુરત, 14 માર્ચ (હિ.સ.)-મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ અને આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તથા સંબંધિત વિભાગો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠાની વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.

આ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને SOGના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સચિન GIDC વિસ્તારમાં આવેલા ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં એલપીજી ગેસના જથ્થાની સ્થળ પર જઈ તપાસ કરવામાં આવી હતી. સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાં પણ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગેસ સિલિન્ડરની કોઈ અછત સર્જાય તેવી સ્થિતિ નથી. ગોડાઉનમાં સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે જેથી કૃત્રિમ અછત ઊભી ન થાય અને ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે. ગેસ વિતરક કંપનીઓ દ્વારા સિલિન્ડરનો સપ્લાય નિયમિત રીતે ચાલુ છે.

તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને જરૂર મુજબ જ ગેસ સિલિન્ડર બુક કરાવે.

SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે ગેસ પુરવઠાની વ્યવસ્થા પર SOG અને સંબંધિત વિભાગો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ગેસ સિલિન્ડરનો અનાવશ્યક સંગ્રહ કરનાર, કાળાબજારી કરનાર અથવા નિયત કિંમતે કરતાં વધુ ભાવ વસુલનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande