
સુરત, 14 માર્ચ (હિ.સ.)-સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા અને સામાન્ય વર્ગના બાળકોને ઉત્તમ સુવિધાઓ આપવા માટે પીપલોદના ઉમરા ગામે નગર પ્રાથમિક શાળા ક્રમાંક–03ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલા આ ભવનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરી તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા. નવા શાળા ભવનથી આસપાસના 1,500થી વધુ બાળકોને શિક્ષણની સુવિધા મળશે.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ભવનમાં સ્થાનિક બાળકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારી શાળાઓ અંગેની પરંપરાગત માન્યતાઓને બદલીને શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે.
તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે શાળાથી ઘરે આવ્યા બાદ મોબાઇલમાં સમય વિતાવવાના બદલે માટી સાથે જોડાયેલી પરંપરાગત રમતો રમે. તેમણે જણાવ્યું કે શાળા બાળકના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ સ્થાન છે. બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર વિકસે અને ઘર, મહોલ્લો તથા શહેર સ્વચ્છ રહે તે માટે પણ તેમણે ભાર મૂક્યો.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. આ કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વાલીઓ ખાનગી શાળાઓને બદલે મનપાની શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે આગળ આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે વાલીઓ તેમના બાળકોને વિશ્વાસપૂર્વક શાળામાં મોકલે છે, તેથી તેમને સારા સંસ્કારો આપવાની જવાબદારી શિક્ષણ વ્યવસ્થાની છે. મનપાની શાળાઓમાં ગાર્ડન, મેદાન, હોલ, સ્માર્ટ બોર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, શૂઝ, બેગ, પુસ્તકો અને સ્ટેશનરી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓને રમતગમતમાં પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ ડ્રેસ અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે તથા મધ્યાહન ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 63 શાળા ભવનોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં સમિતિ સંચાલિત 362 શાળાઓમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે