
ગીર સોમનાથ, 14 માર્ચ (હિ.સ.)સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં વિશ્વવિદ્યાલયના અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝા એ, ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક સ્વાગત સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યો હતો. આ સેમિનારમાં નિષ્ણાત તરીકે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના બાયોકેમિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ વિભાગના પ્રો. કશ્યપ જોશી, વેરાવળ શહેર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.પી. પ્રજાપતિ તેમજ ઓનલાઇન માધ્યમ દ્વારા વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રો. પ્રકાશ ખસોર ઉપસ્થિત રહ્યા હતા.
નિષ્ણાત મહાનુભાવોએ સાયબર સુરક્ષા જાગૃતિ વિષય પર માહિતીપ્રદ વ્યાખ્યાન આપીને ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાનું મહત્વ, ઓનલાઈન ઠગાઈથી બચવાના ઉપાયો અને સુરક્ષિત ઈન્ટરનેટ ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે નરેન્દ્ર કુમાર પંડ્યાએ ઉપસ્થિત મહાનુભાવોને તથા તમામ સહભાગીઓને આભાર વ્યક્ત કરીને ધન્યવાદ જ્ઞાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકો, શોધછાત્રો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ