

ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : ગામને સ્માર્ટ બનાવતા પહેલા આદર્શ ગામ બનાવવું જરૂરી છે. આદર્શ નાગરિકનું નિર્માણ સર્વનેતૃત્વ જેવી શિબિર દ્વારા થતો હોય છે. સરપંચ એ ખાલી સરપંચ નથી પરંતુ ગામનો CEO છે આ શબ્દો છે ભારતના પ્રથમ આદર્શ ગામ પુંસરીના પૂર્વ યુવા સરપંચ અને ભારત સરકારના જળશક્તિ વિભાગ અંતર્ગત ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનના સભ્ય હિમાંશભાઈ પટેલના છે, કે જેઓ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત 117મા સર્વ નેતૃત્વ કાર્યક્રમમાં વિધાર્થીઓને જીવનના દરેક પડાવ પર કેવી રીતે નેતૃત્વ કરી શકાય અને વિકસિત ભારત 2047ના સંકલ્પમાં કેવી રીતે યોગદાન આપી શકાય તેનું સચોટ માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સર્વ વિદ્યાલય વતી વરિષ્ઠ મંત્રી ડો. મણીભાઈ પટેલ સાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિચારોનું બીજ સૌથી મજબૂત હોય છે. કોઈ પણ સારા કામની શરૂઆત એક સારા વિચાર થતી હોય જેને પેહલા સ્વીકાર કરવામાં આવતો નથી પરંતુ સતત તેના ઉપર ચિંતન કરી પૂરી નિષ્ઠાથી મેહનત કરવામાં આવે ત્યારે ચોક્કસ પરિણામ મળતું હોય છે. જે કરો તે શ્રેષ્ઠ કરો. સાચું ભારત ગામડાંઓમાં વસે છે, જો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવ હોય તો ગામડાઓનો વિકાસ કરવો પડશે. પોતાના અનુભવો ની વાત કરતા તેમણે જણાવ્યું કે પુંસરી ગામના સરપંચ તરીકેના તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમનાં સમર્પિત પ્રયત્નોથી ગામને ભારતનું પ્રથમ આદર્શ અને સ્માર્ટ ગામમાં પરિવર્તિત કર્યું જેના પરિણામે, પુંસરીમાં અવિરત પાણી ,વીજ પુરવઠો, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટ્રીટ લાઇટ છે. આખું ગામ WIFI થી સજ્જ છે. ગામમાં વિવિધ પોઇન્ટ્સ પર સ્થિત સીસીટીવી કેમેરાની મદદથી સુરક્ષિત છે અને ગામની આસપાસ 120 જેટલા લાઉડ સ્પીકરો લગાવવામાં આવ્યા છે. જેના માધ્યમથી સરકારની તમામ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી એક એક ઘર સુધી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના અને ગ્રામજનોના સકારાત્મક સહકારથી પુંસરી ને તેનો પોતાનો જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ, પરિવહન સેવાઓ, શૂન્ય ક્રાઈમ રેટ, શૂન્ય ડ્રોપઆઉટ રેશિયો વગેરેનો લાભ મળ્યો છે. આશરે 6000 વસ્તીવાળા ગામમાં એરકન્ડીશન શાળાઓ, યોગ્ય સ્વચ્છતા, આરોગ્યસંભાળ કેન્દ્ર, બેંકિંગ સુવિધાઓ અને બીજી ઘણી સુવિધાઓ સાથે સજ્જ બનાવાયું છે જેમાં અલગ અલગ 20 જ્ઞાતિના લોકો હળીમળી સંપથી રહે છે.
ગુજરાત સરકાર દ્વારા પુંસરી ને 2010 માં રાજ્યનું પ્રથમ મોડેલ વિલેજ તરીકે જાહેર કરાયું હતું. 2012 માં, ભારત સરકાર દ્વારા પુંસરીને શ્રેષ્ઠ ગૌરવ ગ્રામ સભા તરીકેનો એવોર્ડ મળ્યો. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા પુંસરી ને દેશનું પ્રથમ આદર્શ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અનેક એવોર્ડની સિદ્ધિથી હિમાંશુ પટેલ માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુંસરીને લોકપ્રિય મોડેલ વિલેજ તરીકે બદલવામાં સફળ રહ્યા છે. હિમાંશુ પટેલનાં સામાજિક ક્ષેત્રે યોગદાન બદલ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે એવોર્ડ પ્રાપ્તિ અને કોન બનેગા કરોડપતિ નાં પ્લેટફોર્મ ઉપર જેઓની નોધ લેવાઈ છે તેવા અનોખા વ્યક્તિ સર્વ વિદ્યાલય કેમ્પસમાં 19 જુદી જુદી કોલેજના 80 સર્વ નેતૃત્વના વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ