રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત
- દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો રાજકોટ,14 માર્ચ (હિ.સ.) એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક રેસિડેન્ટ તબીબ દ્વારા ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવથી તબીબી જગત અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી
રાજકોટ એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરે વહેલી સવારે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત


- દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો

રાજકોટ,14 માર્ચ (હિ.સ.) એઈમ્સ (AIIMS) હોસ્પિટલના એક રેસિડેન્ટ તબીબ દ્વારા ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવથી તબીબી જગત અને સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર,રાજકોટની એઈમ્સમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર રતનકુમાર મેઘવાળ નામના તબીબે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

રાજકોટની એઈમ્સ હોસ્પિટલના એમબીબીએસ ના ઇન્ટર્ન ડોક્ટરે પરાપીપળીયા રેલવે ફાટક પાસે આજે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તેમની પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ યુવાને દોઢ માસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વખતે પરાપીપળીયાના ગ્રામજનોએ તેને બચાવી લીધો હતો, પરંતુ આ વખતે તે જ જગ્યાએ આપઘાત કરવા પહોંચેલા યુવાનને કોઈ બચાવી ન શક્યું. પુત્રના સુસાઇડની જાણ થતા રાજસ્થાન રહેતા માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

હાલ આ યુવાનના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જેથી તેઓ રાજસ્થાનથી નીકળી ગયા છે અને તેમના આવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને બેસેલા યુવાનના સુસાઇડથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande