ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ઉજવાયો
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો 22મો હપ્તો રિલીઝ કર્યો ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો ૨૨મો હપ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો 22મો હપ્તો રિલીઝ કર્યો

ગાંધીનગર, 14 માર્ચ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો ૨૨મો હપ્તો રિલીઝ કરીને દેશના દેશના ૯.૩૨ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૧૮,૬૪૦ કરોડથી વધુની સહાય જમા કરી છે. જે અંતર્ગત ગુજરાતના ૪૯.૫૯ લાખ ધરતીપુત્રોને પણ રૂ. ૧,૦૨૮ કરોડથી વધુની સહાય પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના ૨૨માં હપ્તા હેઠળ મળી છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો સહિત રાજ્યના હજારો ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતલક્ષી શાસનનો મંત્ર દોહરાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ખેડૂતોની સમસ્યાઓને સંવેદના સાથે વાચા આપી છે. ભૂતકાળમાં આપણે પાણીની જે વિકટ પરિસ્થિતિઓ જોઈ છે, તેમાંથી ખેડૂતોને બહાર લાવવાનું ભગીરથ કામ વડાપ્રધાનએ કર્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નર્મદા કેનાલના નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડીને ખેતીને નવું જીવન આપ્યું છે. પાણીના સુયોજિત આયોજન દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. વીજળીના પ્રશ્ને વાત કરતા તેમણે ઉમેર્યું કે, અગાઉ ખેડૂતો રાત્રે વીજળી મળવાને કારણે મુશ્કેલી અનુભવતા હતા, પરંતુ વડાપ્રધાનના પ્રયાસોથી આજે ગુજરાતમાં ૨૪ કલાક અને ૩૬૫ દિવસ વીજળી ઉપલબ્ધ છે. લગભગ ૯૬ થી ૯૮% ખેડૂતોને હવે દિવસે વીજળી પૂરી પાડવામાં આવે છે.

વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને રૂ. ૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે, જેનો ઉપયોગ માત્ર જળ સંચય અને પાણીને જમીનમાં ઉતારવાના કામો માટે કરવાનો રહેશે. આનાથી ભવિષ્યમાં ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો નહીં પડે.

રાસાયણિક ખાતરો અને દવાઓના વધતા ઉપયોગ સામે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, નાની ઉંમરે જોવા મળતા કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવા રોગો પાછળ રાસાયણિક ખેતી એક મોટું કારણ હોઈ શકે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતે ગામેગામ જઈને ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા અને કાર્બનનું પ્રમાણ જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.

પર્યાવરણના પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે મુખ્યમંત્રીએ 'એક પેડ માં કે નામ' અભિયાનને વધુ વેગ આપવા જણાવ્યું હતું. તેમણે ખેડૂતોને પોતાના ખેતરના શેઢે વધુમાં વધુ વૃક્ષો વાવી 'ગ્રીન કવર' વધારવા અપીલ કરી હતી, જેથી વાતાવરણમાં આવતા અનિયમિત ફેરફારો સામે રક્ષણ મેળવી શકાય.

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે ગેસ સિલિન્ડર કે અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત અંગેની અફવાઓથી દોરવાવું નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. મજબૂત નેતૃત્વ હેઠળ 'વિકસિત ગુજરાત' થકી 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં ખેડૂતો પાયાની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ તકે કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ખેડૂત દેશના અર્થતંત્રનું હૃદય છે અને તેમની સુખાકારી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. રાત-દિવસ મહેનત કરી સમગ્ર પરિવારનું ભરણપોષણ કરતા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે આજે 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજના અંતર્ગત ૨૨મો હપ્તો સીધો જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. કુદરતી આફત હોય કે અન્ય કોઈ મુસીબત, સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ આર. સી મીણા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, અગ્રણી આશિષભાઈ દવે, સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી, જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલા સહિત ઉચ્ચ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande