

મહેસાણા, 14 માર્ચ (હિ.સ.)અમદાવાદ સ્થિત ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર (DSC) ને પાણી સંરક્ષણ અને સમુદાય આધારિત જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કરાયેલા મહત્વપૂર્ણ કાર્ય બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. FICCI Water Awards 2025 ના 13મા સંસ્કરણમાં “Water Initiatives by NGO” શ્રેણીમાં DSC ને Joint Second Prize એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી C.R. પાટીલના હસ્તે આપવામાં આવ્યો હતો.
એવોર્ડ સમારંભ દરમિયાન જ્યુરીના અધ્યક્ષ ડૉ. મિહિર શાહ, FICCI Water Mission ની અધ્યક્ષ નૈના લાલ કિડવાઈ તેમજ પાણી અને વિકાસ ક્ષેત્રના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. DSC દ્વારા વિવિધ રાજ્યોમાં સમુદાય સાથે જોડાઈને પાણી સંરક્ષણ અને ભૂગર્ભ જળના સંચાલન માટે કરવામાં આવેલા પ્રયત્નોને આ સન્માન દ્વારા માન્યતા આપવામાં આવી છે.
ખાસ કરીને ગુજરાતના મહેસાણા જિલ્લામાં તેમજ મધ્ય પ્રદેશના અગર-માલવા અને અલીરાજપુર જિલ્લામાં DSC દ્વારા ગ્રામ્ય સમુદાય સાથે મળીને પાણી સંરક્ષણ માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી છે. આ પહેલોના પરિણામે ખેડૂતોમાં પાણી બચત અને ભૂગર્ભ જળ સંરક્ષણ અંગે જાગૃતિ વધતી જોવા મળી છે.
મહેસાણા જિલ્લામાં વિસનગર અને ઊંઝા સહિતના વિસ્તારોમાં DSC દ્વારા અનેક ગામોમાં પાણી સંચાલન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ ખેડૂતોને ખેતીમાં પાણીનો મિતવ્યયી ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રેરિત કરવામાં આવે છે. DSC ની આ કામગીરીથી ગામોમાં પાણી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસી રહ્યો છે અને સામૂહિક પ્રયાસો દ્વારા પાણી સંરક્ષણ માટે લોકો આગળ આવી રહ્યા છે.
આ કાર્યક્રમોમાં ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GWRDC) સહિત અનેક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. DSC દ્વારા આ સન્માન ગ્રામ્ય સમુદાય અને ખેડૂતોને સમર્પિત કરવામાં આવ્યું છે, કારણ કે પાણીના સાચા સંરક્ષક ગામના લોકો અને ખેડૂત જ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR