

મહેસાણા, 14 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જાસ્કા ગામના ખેડૂત હીરાજી ચંદનજી રાજપુતે પરંપરાગત ખેતીથી અલગ રસ્તો અપનાવી પોતાના ખેતરમાં મીઠી લીમડીનું સફળ વાવેતર શરૂ કર્યું છે. અંદાજે 60 વર્ષના હીરાજીભાઈએ લગભગ 2 વીઘા જમીનમાં છેલ્લા દોઢ વર્ષથી આ પાકનું વાવેતર કરીને નવી ખેતીનું અનોખું મોડેલ ઉભું કર્યું છે.
શરૂઆતમાં બિયારણ માટે લગભગ ₹20,000 અને અન્ય ખર્ચ માટે અંદાજે ₹5,000 જેટલો ખર્ચ થયો હતો. આણંદ જિલ્લાના વેપારી રાકેશકુમાર ચોરસિયાના માર્ગદર્શનથી તેમણે મીઠી લીમડીનું બિયારણ મંગાવી ખેતી શરૂ કરી હતી. લીમડીના છોડ વાવ્યા બાદ લગભગ 7 મહિનામાં પ્રથમ કટીંગ મળે છે, જેમાં ખેડૂતને ખર્ચનો મોટો ભાગ પાછો મળી જાય છે. ત્યારબાદના કટીંગમાં સીધો નફો મળવાનું શરૂ થાય છે.
હીરાજીભાઈને પ્રથમ કટીંગમાં આશરે 30 થી 50 મણ જેટલો ઉતારો મળ્યો હતો. બજારમાં ઓછામાં ઓછા ₹10 પ્રતિ કિલોના ભાવે વેચાણ થાય તો વર્ષ દરમિયાન અંદાજે ₹1,00,000 થી ₹1,20,000 સુધીની આવક થવાની શક્યતા રહે છે. હાલ કેટલાક વેપારીઓ દ્વારા ₹30 પ્રતિ કિલો સુધીનો ભાવ આપવામાં આવી રહ્યો છે.
મીઠી લીમડીના પાકમાં પશુઓથી નુકસાન ઓછું થાય છે અને યોગ્ય સંભાળ રાખવામાં આવે તો આ પાક 25 થી 30 વર્ષ સુધી ઉત્પાદન આપતો રહે છે. આ કારણે હવે આસપાસના ખેડૂતો પણ આ નવી ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR