
મહેસાણા, 14 માર્ચ (હિ.સ.)મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપુર હાઈવે પર અબારીસ કંપની સામે બનેલા હત્યાના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. આ બનાવ અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા. 13/03/2026 ના રોજ સાંજે આશરે 16:30 વાગ્યે અમરતબેન, પતિ ચેહુજી લક્ષ્મણજી ડાભી, ઉંમર 47 વર્ષ, રહે. વડુ ડાભીવાસ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. રાજપુર ગામના રહેવાસી ડાભી સેંધાજી ખેંગારજી દ્વારા પેટના ભાગે છરીના ઘા મારતાં અમરતબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ બાબતે અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.
આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) તેમજ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ધડુકના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી હતી.
ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપી ડાભી સેંધાજી ખેંગારજીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં નંદાસણ પોલીસ સ્ટાફે ઝડપી અને પ્રશંસનીય કામગીરી નોંધાવી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR