
સુરત, 15 માર્ચ (હિ.સ.)-સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરતાં શેર અને કરન્સી ટ્રેડિંગના નામે ઠગાઈ ચલાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય આરોપી અલ્પેશ વઘાસિયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. ચોંકાવનારી વાત એ છે કે માત્ર ધોરણ 9 સુધી ભણેલા અલ્પેશે આશરે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું સાયબર કૌભાંડ ઊભું કર્યું હતું.
પોલીસે અગાઉથી જ તેના વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કર્યું હતું. અલ્પેશ દુબઈમાંથી બેંગકોક મારફતે સુરત આવ્યો ત્યારે સાયબર ક્રાઇમ ટીમે એરપોર્ટ પર જ તેને ઝડપી લીધો. આરોપી મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલનો રહેવાસી છે અને સુરતના વેલંજા વિસ્તારમાં રહેતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 15,36,30,08,975 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આરોપીઓએ સુરતના ઉત્રાણ અને રાજકોટમાં ઓફિસો ખોલી ‘IV Trade’ અને ‘Sky Growth Wealth Management’ નામે લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) સ્કીમમાં ફસાવી ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું.
અત્યાર સુધીમાં 35 જેટલા રોકાણકારો સામે આવ્યા છે, જેમની પાસેથી કુલ રૂ. 4.26 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ ડેનીશ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પટોળીયા, યશ પટોળીયા અને અજય ઉર્ફે ગોપાલ ભિંડીને પણ ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં અલ્પેશ વઘાસિયાના દુબઈ કનેક્શન અને મની ટ્રેઇલનો ખુલાસો થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે