




વેપારી પાસેથી 3 લાખના 18 લાખ વસુલતા સી-ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી
દિલીપકુમાર સુથારે પુરાવા સાથે ન્યાયની માંગ કરી
કારમાં બેસાડી માર મારી નાણાંની માંગણી કર્યાનો આક્ષેપ પણ છે
ભરૂચ 15 માર્ચ (હિ.સ.) ભરૂચમાં વ્યાજખોરનો આતંક ઝાડેશ્વરમાં કિડ્સ વેરની દુકાન ચલાવતા એક વેપારીએ 3 લાખ 5 % ના વ્યાજે લીધેલા તેના વ્યાજખોરએ વેપારી પાસેથી 18 લાખ વસૂલ્યા બાદ પણ મારપીટ અને ધમકીનો વિડીયો વાયરલ,પોલીસે તપાસ શરૂ કરી વ્યાજ ખોરોને આવી ઝડપી પાડવા ક્વાયત હાથધરી છે ભરૂચના સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનસનાટીભરી ઘટના સામે આવી છે. દિલીપકુમાર ઓમપ્રકાશ સુથાર નામના વ્યક્તિએ અજય શાહ સામે ગંભીર આક્ષેપો સાથે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અપહરણ, શારીરિક હુમલો અને ધમકી આપ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
બળજબરીપૂર્વક અપહરણ કરી માર માર્યો
ફરિયાદી દિલીપકુમારે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, એક પ્રસંગ દરમિયાન તેમને જબરદસ્તીથી કારમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરવામાં આવી હતી અને નાણાંની ગેરકાયદે માંગણી પણ કરવામાં આવી હતી. આ ઘટનાથી ફરિયાદી અત્યંત ડરી ગયા હતા.
પરિવારને અપમાનજનક ભાષામાં ધમકી
વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અજય શાહ દ્વારા માત્ર દિલીપકુમાર જ નહીં, પરંતુ તેમના પરિવાર સામે પણ અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરિવારને માનસિક રીતે હેરાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું અરજીમાં નમૂદ કરાયું છે.
અવારનવાર રૂપિયાની માંગણી કરતા કર્યું રેકોર્ડિંગ
અજય શાહ અવારનવાર દિલીપકુમાર ઓમપ્રકાશ સુથારની દુકાન પર આવી ધમકી આપી અને મારપીટ પણ કરી હતી.ત્યારે આજરોજ ફરી રૂપિયા માટે ધમકી ભર્યો ફોન આવતા દિલીપકુમાર સુથારએ તેની દુકાનમાં એક બીજો મોબાઈલ છુપાવી તેમાં વિડિઓ રેકોર્ડિંગ કરી લીધું હતું જેમાં એક ઇસમ તેને રૂપિયાની માંગણી કરી ગાળો બોલી માર મારતો હોવાનું રેકોર્ડિંગ અવાજ સાથે થયેલ છે જે પુરાવા પણ પોલીસ સ્ટેશનમાં આપ્યા છે.
વિડિઓ અને ઓડિયો પુરાવા સાથે પોલીસ તપાસ શરૂ
આ સમગ્ર ઘટનાના પુરાવા રૂપે ફરિયાદીએ વિડિઓ અને ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને સોંપ્યું છે. આ મામલે દિલીપકુમારે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજય શાહ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસે આ લેખિત અરજી સ્વીકારીને ઘટનાની સત્યતા તપાસવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ