
પાટણ, 15 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આઈસર ટ્રક સહિત કુલ રૂ. 72.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
LCB પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે યાકુબસા અહેમદસા ફકીર પોતાના ઘર પાછળ પાણીની ટાંકી પાસે આઈસર ટ્રકમાંથી દારૂની પેટીઓ અન્ય વાહનોમાં ઉતારી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તરત જ દરોડો પાડ્યો હતો.
પોલીસને જોઈને ત્યાં હાજર સફેદ ફોર્ચ્યુનર ગાડીનો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આઈસર ટ્રકની તલાશી લેતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 20,067 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 62,42,310 આંકવામાં આવી છે.
આ ઉપરાંત રૂ. 10 લાખ કિંમતનો આઈસર ટ્રક પણ પોલીસે કબજે કર્યો છે. આ મામલે મુખ્ય આરોપી યાકુબસા અહેમદસા ફકીર સહિત ચાર શખ્સો વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCB પીએસઆઈ એસ.બી. સોલંકી, એએસઆઈ જાલુભા, ઘનશ્યામસિંહ અને અન્ય સ્ટાફે કામગીરીમાં ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ