
જૂનાગઢ, 15 માર્ચ (હિ.સ.) : ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગને ખુલ્લી મુકવાની સાથે કેશોદ અને માણાવદર વિધાનસભા ક્ષેત્રના જન સુવિધા અને જન સુખાકારીના અંદાજે ૮.૪૩ કરોડના ૧૩૯ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સતત વિકાસલક્ષી કામોથી લોકોની સુખાકારી અને સુવિધામાં વધારો થયો છે, દરેક ગામને જોડતા પાક્કા રસ્તાઓ, પાણી, વીજળી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. આ સાથે નોન પ્લાન રસ્તાઓ બને સહિતના વિકાસના કામો માટે લોકોની અપેક્ષાઓ પણ વધી છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જ્ઞાતિ જાતિના રાજનીતિથી ઉપર ઉઠી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી. તેમના દ્રઢ સંકલ્પથી છે સૌરાષ્ટ્રના ૧૦૩ ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા છે, અશક્ય લાગતા આ કામને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શક્ય બનાવ્યું છે, આજે નર્મદાના નીરથી ખેતી પણ સમૃદ્ધ થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી ઉમેર્યું કે, અતિવૃષ્ટિની સ્થિતિમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું આ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી ૧૦ હજાર કરોડનું પેકેજ આપ્યું હતું, એટલું જ નહીં ખેડૂતો જણસોની ટેકાના ભાવે ખરીદી પણ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, રોડ રસ્તા બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી જ માત્ર લોકોના જીવનમાં સુખાકારી આવતી નથી. આ સાથે શાંતિ સલામતી પણ જરૂરી છે તેનાથી જ જીવન સરળ બને છે. ગુજરાત સરકારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રીની જનસેવાની નેમનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એક નેતા તરીકે નહીં પરંતુ એક સેવક અને જન પ્રતિનિધિ તરીકે કામ કરીએ છીએ. તેમણે લોકસભાના વિસ્તારના લોકોના કામ માટે અને તેમના પ્રશ્નોના નિવારણ માટે નિયમિતપણે એક કલાક અલગથી ફાળવતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સાંસદ તરીકેના અનુદાનમાંથી સર્વે લોકોને ઉપયોગી થઈ શકે તેવા એમ્બ્યુલન્સ અને મોક્ષરથ જન હિતાર્થે ફાળવવાની નેમ રાખી છે, તેના અનુસંધાને આજે એમ્બ્યુલન્સ અને મોક્ષરથનું લોકાર્પણ કર્યું છે.
આ પ્રસંગે બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ બાંટવા નગરપાલિકા કચેરી ઉપરાંત જવાહર ગાર્ડનનું ડેવલપમેન્ટ, ટ્રેક્ટર એમ અંદાજે રૂ.૨૮૧.૯૩ લાખના ૩ કામનું લોકાર્પણ કર્યું હતું તેમજ રૂ. ૧૨૫.૦૯ લાખના ખર્ચે નિર્મિત થનાર રોડ રસ્તા, લાઈટ, સ્વચ્છતા સહિતના ૫ કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગુજરાત સરકારના વિવિધ વિભાગ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ૮૫-માણવદર વિધાનસભા મતવિસ્તારમાં રૂ.૧૭૭.૫૪ લાખના કુલ – ૩૭ વિવિધ વિકાસના કામો અને ૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તારમાં રૂ.૫૬.૯૮ લાખના કુલ – ૧૮ કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં બસ સ્ટેન્ડ, સી.સી. રોડ, નાળા પુલીયા, ભુગર્ભ ગટર, પેવર બ્લોક પાણીની પાઈપલાઈન, પાણીની ટાંકી, બોર, શાળાઓમાં ઓરડા- મધ્યાહન ભોજન શેડ, આંગણવાડી અને સ્મશાનની કમ્પાઉન્ડ વોલ, સાંસ્કૃતિક હોલ વગેરે કામોનો સમાવેશ થાય છે.
૮૫-માણવદર વિધાનસભા મતવિસ્તારનાં રૂ.૧૨૬.૨૮ લાખના કુલ - ૫૫ વિવિધ વિકાસના કામો અને ૮૮-કેશોદ વિધાનસભા મતવિસ્તારનાં રૂા.૪૪.૧૮ લાખના કુલ - ૨૧ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાસંદ ૧૧-પોરબંદર લોકસભા મતવિસ્તારની વર્ષ ૨૦૨૫-૨૬ની ગ્રાન્ટમાંથી રૂ. ૨૦.૨૦ લાખની એમ્બ્યુલન્સ તથા રૂા. ૧૦.૪૧ લાખની મોક્ષવાહિનીનું બાંટવા નગરપાલિકાને અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીનું બાંટવાના વિવિધ સમાજના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાક માર્કેટ એસોસિયેશન, ગૌશાળા ગ્રુપ, મંદિરની સેવાકીય સમિતિઓ વગેરે દ્વારા વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રમુખ હરેશભાઈ ઠુંમર, માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ પનારા, બાંટવા નગરપાલિકાના ઉપપ્રમુખ રામાભાઇ ગરચર, કારોબારી ચેરમેન કનુભાઈ સોલંકી, ચીફ ઓફિસર બોરખતરીયા અગ્રણી વજુભાઈ ઝાલાવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ સહિતના પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ