
પાટણ, 15 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે વહે ગુરુ ગ્રુપ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાચરીયા વિસ્તારમાં આવેલા ભગવાન ઝૂલેલાલ મંદિરથી યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રાના આરંભે ભક્તો દ્વારા “આયો લાલ ઝૂલેલાલ”ના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
આ બાઈક યાત્રા શહેરના મુખ્ય માર્ગો લીમડીચોક, નગરપાલિકા રોડ, ફત્તેસિંહરાવ લાયબ્રેરી, મદારસા, ત્રણ દરવાજા, દોશીવટ, હિંગળાચાચર અને બગવાડા દરવાજા માર્ગે પસાર થઈ હતી. માર્ગમાં વિવિધ વિસ્તારોમાં યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રામાં સિંધી સમાજના યુવાનો, વડીલો અને ભક્તો શિસ્તબદ્ધ રીતે પોતાની બાઈક સાથે જોડાયા હતા. પરંપરાગત ઉત્સાહ અને આસ્થા સાથે નીકળેલી આ રેલી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ (ખાડીયા) ખાતે સમાપ્ત થશે અને પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ