
પાટણ, 15 માર્ચ (હિ.સ.) : પાટણ રોટરી ક્લબના 52મા ચાર્ટર ડે નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે કાયમી થેલેસેમિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીની ઉપસ્થિતિમાં થયું. રોટરી પ્રમુખ પરિમલ જાની અને શંકુઝ હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો. ગ્રિશ્મા દ્વારા એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરીને સેન્ટરને સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું.
રોટરી ઇન્ટરનેશનલ વિશ્વભરમાં સેવા પ્રોજેક્ટ્સ માટે જાણીતી સૌથી મોટી અને પ્રાચીન સંસ્થાઓમાંની એક છે. રોટરી ક્લબ ઓફ પાટણને રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા બાદ 15 માર્ચ 1974ના રોજ ચાર્ટર પ્રાપ્ત થયું હતું. ક્લબની 52 વર્ષની યાત્રા નિમિત્તે શરૂ કરાયેલું આ સેન્ટર થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવાર માટે મહત્વપૂર્ણ સહાયક બનશે.
આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. રોટરી ક્લબ પાટણ દ્વારા બ્લડ બેંક, ચક્ષુ બેંક, રોટરી વિસામો, સહસ્ત્ર તરુવન, રોટરી–રોટરેક્ટ ગાર્ડન અને ઓક્સિજન બેંક જેવા અનેક સેવાકીય પ્રોજેક્ટ્સ પણ ચલાવવામાં આવે છે, જેમાં હવે થેલેસેમિયા સેન્ટરનો પણ ઉમેરો થયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ