સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય ભવ્ય કૃષિ મેળાનું સમાપન,પ્રાકૃતિક ખેતીના ત્રિવેણી સંગમથી ખેડૂતોમાં નવો ઉત્સાહ
- મધ્યપ્રદેશના કૃષિ નિષ્ણાત આકાશ ચોરસિયાનું ખેડૂતોને બહુસ્તરીય ખેતી માટે પ્રેરણાદાયી માર્ગદર્શન - સહકારી મંડળીઓ, ગ્રીન કમાન્ડો અને સૃષ્ટિ નેચરલના સમન્વયથી પ્રાકૃતિક ખેતીને મળશે નવું બજાર અને વેગ સુરેન્દ્રનગર,17 માર્ચ (હિ.સ.) ઝાલાવાડની ધરતી પર પ્
સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય ભવ્ય કૃષિ મેળાનું સમાપન


- મધ્યપ્રદેશના કૃષિ નિષ્ણાત આકાશ ચોરસિયાનું ખેડૂતોને બહુસ્તરીય ખેતી માટે પ્રેરણાદાયી માર્ગદર્શન

- સહકારી મંડળીઓ, ગ્રીન કમાન્ડો અને સૃષ્ટિ નેચરલના સમન્વયથી પ્રાકૃતિક ખેતીને મળશે નવું બજાર અને વેગ

સુરેન્દ્રનગર,17 માર્ચ (હિ.સ.) ઝાલાવાડની ધરતી પર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાના ઉમદા હેતુ સાથે સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ કલ્યાણ એસોસિએટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર-સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે વિશેષ તાલીમ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં અંદાજે 80 જેટલા વિવિધ પ્રદર્શન સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી અદ્યતન

સાધનો અને પદ્ધતિઓની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતભરમાં બહુસ્તરીય ખેતી માટે જાણીતા મધ્યપ્રદેશના નિષ્ણાત આકાશ ચોરસિયા રહ્યા હતા. તેમણે ઉપસ્થિત ખેડૂતોને ઓછા ખર્ચે અને મર્યાદિત જગ્યામાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આધુનિક મોડેલ અપનાવી આર્થિક રીતે સધ્ધર બને તેવો સૂર આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો. મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના 1000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈ કૃષિ જ્ઞાનનું ભાથું બાંધ્યું હતું. પ્રાકૃતિક ખેતીમાં સૌથી મોટી મુશ્કેલી બાયો ઈનપુટની ઉપલબ્ધતાની હોય છે, જેનો આ કાર્યક્રમમાં સચોટ ઉકેલ લાવવામાં આવ્યો હતો.

આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સંકલનથી 33 જેટલી સ્વયં-પ્રેરિત સહકારી મંડળીઓના સેક્રેટરીઓ આ અભિયાનમાં જોડાયા છે.

ગ્રીન કમાન્ડો દ્વારા તૈયાર કરવામાં આવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દસપર્ણી અર્ક જેવા જૈવિક ખાતરો હવે આ મંડળીઓ મારફતે ગ્રામ્ય સ્તર સુધી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, 70 થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધા ગ્રાહકો સાથે જોડવા માટે સૃષ્ટિ નેચરલ ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાણ કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકોને શુદ્ધ-સાત્વિક આહાર મળી રહે.

આ મેળામાં એક પ્રેરણાદાયી દ્રશ્ય એ જોવા મળ્યું કે જિલ્લાના 20 થી વધુ ખેડૂતોએ જંગલમાંથી કેશુડાના ફૂલ વીણીને ગ્રીન કમાન્ડોને દસપર્ણી અર્ક બનાવવા માટે સપ્લાય કર્યા હતા. આત્મા પ્રોજેક્ટ દ્વારા આવા પર્યાવરણ પ્રેમી ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજનમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી, સૃષ્ટિ નેચરલના શૈલેષભાઈ, ગ્રીન કમાન્ડોના જયદીપભાઈ અને કૃષિ કલ્યાણ એસોસિએટના મંથન ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા સ્ટાફની જહેમતથી આ મેળો જિલ્લાના કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિની

દિશા ચિંધનારો સાબિત થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande