
જુનાગઢ/અમદાવાદ,20 માર્ચ (હિ.સ.) : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે 19 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોડિંગ પણ પડી ગયા હતા.
આજે બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુક્યા છે. ખાસ કરીને કેસર કેરીના બગીચાવાળા મુંઝાયા છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીની જેમ પાણી વહેતાં થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. હજુ 24 કલાક રાજ્ય માથે વરસાદની ઘાત રહેલી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે.દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધી જશે અને ફરી ગરમી પડશે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ગત બે દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ