વિશ્વ કવિતા દિવસ: કવિતા એટલે હૃદયના ધબકારથી શબ્દોના શણગાર સુધીની સફળ રચના
ગાંધીનગર, 20 માર્ચ (હિ.સ.) : કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. પરંતુ 21 માર્ચ એટલે માત્ર કવિઓની ઉજવણીનો દિવસ નથી, આ તો એ ''અહેસાસ''ની ઉજવણી છે જે આપણને માણસ હોવાનો અહેસાસ કરાવે છે. યુનેસ્કો દ્વારા વર્ષ 1999થી વિશ્વ કવિતા દિવસ ઉજવ
વિશ્વ કવિતા દિવસ: કવિતા એટલે હૃદયના ધબકારથી શબ્દોના શણગાર સુધીની સફળ રચના


ગાંધીનગર, 20 માર્ચ (હિ.સ.) : કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. પરંતુ 21 માર્ચ એટલે માત્ર કવિઓની ઉજવણીનો દિવસ નથી, આ તો એ 'અહેસાસ'ની ઉજવણી છે જે આપણને માણસ હોવાનો અહેસાસ કરાવે છે. યુનેસ્કો દ્વારા વર્ષ 1999થી વિશ્વ કવિતા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવાનો અને લુપ્ત થતી ભાષાઓને કવિતા દ્વારા જીવંત રાખવાનો છે.

કવિતા એ માત્ર પ્રાસ બેસાડવાની રમત નથી. તે તો મૌનનો અવાજ છે! કોઈપણ લાગણી માટે જ્યારે શબ્દો ખૂટી પડે ત્યારે કવિતા શરૂ થાય છે.કવિતાએ લાગણીઓનું આચમન છે,પ્રેમ, વિરહ, ક્રોધ કે કરુણા દરેક ભાવને કવિતા એક નવું પરિમાણ આપે છે.

કહેવાય છે કે, કવિતાએ સત્યનો અરીસો છે,સમાજની કડવી વાસ્તવિકતાને મધુર શબ્દોમાં રજૂ કરવાની તાકાત માત્ર કવિતામાં છે.

આપણી માતૃભાષા ગુજરાતી કવિતાના મામલે અત્યંત સમૃદ્ધ છે. નરસિંહ મહેતાના પ્રભાતિયાથી શરૂ થયેલી આ સફર આજે આધુનિક ગઝલ અને અછાંદસ કાવ્યો સુધી વિસ્તરી છે.નર્મદની વીરતા, કલાપીનો વિરહ, ઉમાશંકર જોશીની વિશ્વશાંતિ અને રમેશ પારેખની અદભૂત કલ્પનાશક્તિ આ બધું જ આપણી વિરાસત છે.

આજના દોડધામભર્યા યુગમાં પણ સોશિયલ મીડિયા પર યુવા પેઢી જે રીતે ગુજરાતી ગઝલો અને શાયરીઓ શેર કરે છે, તે સાબિત કરે છે કે કવિતા ક્યારેય જૂની થતી નથી.

આજના ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં પ્રશ્ન થાય કે કવિતાની શું જરૂર? જવાબ છે,સંવેદના માટે. મશીન ગણતરી કરી શકે, પણ તે કોઈના વિરહમાં રડી શકતું નથી કે વસંતના આગમન પર હરખાઈ શકતું નથી. કવિતા આપણી અંદર રહેલા એ માનવીય અંશને જીવંત રાખે છે. તે માનસિક તણાવમાં એક મલમનું કામ કરે છે અને એકલતામાં ઉત્તમ મિત્ર બને છે.

કવિતા માત્ર કાગળ પર નથી હોતી, તે વહેતી નદીમાં, બાળકના સ્મિતમાં અને માના વહાલમાં પણ હોય છે. જરૂર છે બસ તેને અનુભવવાની દ્રષ્ટિની.

કવિતાતો આત્માની લિપિ છે.

જ્યારે માણસ પાસે બોલવા માટે શબ્દો ઓછા પડે છે અથવા જ્યારે તેની સંવેદનાઓ મર્યાદા ઓળંગી જાય છે, ત્યારે કવિતાનો જન્મ થાય છે. કવિતા એ ભાષાનું સર્વોચ્ચ શિખર છે, જ્યાં ગદ્ય થાકીને બેસી જાય છે ત્યાંથી પદ્યની પાંખો ફૂટે છે.

કવિતા એટલે સંવેદનાઓનું સરનામું,

કવિતા એટલે હૃદયના ધબકારાને કાગળ પર ઉતારવાની કળા. એક કવિ જ્યારે લખે છે, ત્યારે તે માત્ર કલમ નથી ચલાવતો, પણ પોતાની પીડા, આનંદ, વિરહ કે વિસ્મયને શબ્દોનો દેહ આપે છે.

પ્રેમમાં કવિતા ગુલાબની પાંખડી જેવી કોમળ હોય છે.વિરહમાં તે ભીની આંખના આંસુ જેવી હોય છે.ક્રાંતિમાં તે સળગતી મશાલ જેવી પ્રખર હોય છે.

કુદરત અને કવિતાનું જોડાણ પણ ખૂબ અદભુત છે,પ્રકૃતિ પોતે જ એક મહાન કવિતા છે. સૂર્યોદયની પહેલી કિરણ હોય કે પક્ષીઓનો કલરવ, ઝરણાનું સંગીત હોય કે રાતનું મૌન આ બધું જ કવિતાના છંદો છે. કવિ માત્ર આ છંદોને સાંભળે છે અને દુનિયાને સંભળાવે છે.

કવિતા શબ્દોનું જાદુઈ વણાટ છે.

કવિતામાં શબ્દોનું વજન સામાન્ય વાતચીત કરતા અલગ હોય છે. એક નાનકડી પંક્તિ આખા જીવનનો સાર સમજાવી શકે છે.

કવિતા માત્ર કવિઓ માટે જ નથી, તે દરેક માટે છે. જો તમે કોઈ સુંદર દ્રશ્ય જોઈને અચકાયા હો, કોઈના દુઃખે તમારી આંખ ભીની થઈ હોય, કે અચાનક કોઈ જૂની યાદ તાજી થઈ હોય તો સમજી લેજો કે તમારી અંદર પણ એક કવિ જીવે છે.

પ્રસિદ્ધ કવિઓની અમર પંક્તિઓ

* ગદ્ય એટલે કેવળ શબ્દો, પણ પદ્ય એટલે શબ્દોનું સંગીત અને હૃદયનો ધબકાર.-ઉમાશંકર જોશી

* કવિતા એટલે અક્ષરનો અજવાસ, જે અંધારામાં પણ રસ્તો બતાવે છે.-રમેશ પારેખ

* હજારો વર્ષની જૂની છે આ વેદના, અને કવિતા એનું તાજું સ્મરણ છે.- ઝવેરચંદ મેઘાણી

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande