
સ્લીપર ગેટ કાઢી નાખતા પોલીસ ફરિયાદ અને બેદરકાર એજન્સીને નોટિસ
જુનાગઢ, 22 માર્ચ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે ઓજત વિયર ટીકર સિચાઈ યોજના આવેલી છે. આ યોજનામાં કુલ ૩૨ ગાળા આવેલ છે અને દરેક ગાળામાં ૦.૫૦ મી ઊંચાઈના ૬ સ્લીપર ગેટ આવેલા છે. ચોમાસામાં પાછતરા વરસાદથી આ સ્લીપર ગેટ ગાળામાં ચડાવીને ડેમ ભરવામાં આવે છે. આ યોજના ફક્ત રિચાર્જ પ્રકારની યોજના છે. જેમાં કોઈ સિંચાઈ કરવામાં આવતી નથી. ગત તા. ૨૦/૦૩/૨૦૨૬ ની રાત્રિના સમયગાળા દરમ્યાન ગાળા નં ૩૧ અને ૩૨ નં ના ગાળામાંથી ૩-૩ સ્લીપર અજાણ્યા શખ્સો દ્વારા કાઢી નાખી બહાર ફેંકી દીધા હતા. જેની જાણ સવારે ૮.૦૦ કલાકે થતાં કચેરીના સ્ટાફ દ્વારા ૧૦:૦૦ કલાકે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત વાર્ષિક જાળવણીનું ટેન્ડર શ્રી શ્યામ મજૂર સહકારી માં. લી. ને આપેલ હોય, જે ને ડેમની દેખરેખ માટે રાઉન્ડ કલોક માણસ રાખવાની જવાબદારી હોય, જે રાત્રિના ડેમ ઉપર ધ્યાન આપેલ ન હોય અને અત્રેની કચેરીના સ્ટાફને સમયસર જાણ ન કરતા આ ઘટના બની હતી. જેથી એજન્સી ને નોટીસ આપી ટર્મીનેસનની કાર્યવાહી હાથ ધરેલ છે. આ સાથે સ્થળ પર કાઢી નાખેલા સ્લીપર ગેટ સમયસર પાછા ચડાવી પાણી વહી જતું અટકાવેલ. આ બનાવના કારણે નીચવાસમાં કોઈ જાનહાનિ કે કાંઠા ને નુકશાન થવા પામેલ નથી. તથા સરકારી સંપતિ ને નુકશાન કરવા બદલ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ