
ગીર સોમનાથ, 22 માર્ચ (હિ.સ.) : વિશેલવિન ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે “છઠ્ઠું ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ સમારોહ” ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા (આઇપીએસ), મહેમાન-એ-માન તરીકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા (આઇએએસ) તેમજ વિશેષ મહેમાન તરીકે ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર કેપ્ટન અશ્વિન સોલંકી, રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિશેલવિન ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ટ્રસ્ટી પૂનમ જી. કૌશિક, ગૌરવ કૌશિક અને તેમની ટીમની વિશેષ હાજરીમાં કાર્યક્રમ ગૌરવભેર યોજાયો હતો.
આ અવસરે કોડીનાર સ્થિત જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને દિવ્યાંગજનોના કલ્યાણ, શિક્ષણ અને પુનર્વસન ક્ષેત્રે કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સમર્પિત કામગીરી બદલ વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું. આ સન્માન સંસ્થા તરફથી સંસ્થાના પ્રમુખ સિદ્દીકચાવડાએ સ્વીકાર્યું હતું. સંસ્થાના કર્મચારી રાકેશભાઈ બેરડીયાને પણ દિવ્યાંગ બાળકો પ્રત્યેની તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓ બદલ મંચ પર વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જીવનદીપ સંસ્થાના આરીફભાઈ ચાવડા અને તનવીરભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જીવનદીપ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે શિક્ષણ, થેરાપી, પુનર્વસન, માર્ગદર્શન તથા સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહી છે. ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વિસ્તારોના દિવ્યાંગ પરિવારો સુધી પહોંચી તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના સંસ્થાના પ્રયાસો સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અતિથિઓએ જીવનદીપ સંસ્થાના કાર્યની ઉંચી પ્રશંસા કરી અને સમાજમાં આવી સંસ્થાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું. તેમણે દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે સરકાર અને સમાજના સંયુક્ત પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સન્માન મળવાથી જીવનદીપ સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, વાલીઓ તથા લાભાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે તેમજ ભવિષ્યમાં વધુ સમર્પિત સેવા કાર્ય કરવા માટે નવી પ્રેરણા મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ