
પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ સાથે સ્વચ્છતા સંબંધિત નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં જાહેર સ્થળોએ ગંદકી કરવી, થૂંકવું અથવા અશુદ્ધતા ફેલાવવી જેવી પ્રવૃત્તિઓ સામે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં મહાનગરપાલિકાની કચેરી પરિસરમાં ગંદકી કરતા એક વ્યક્તિ સામે તાત્કાલિક દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
સેનીટેશન વિભાગના કર્મચારી અશ્વિનભાઈ વઢિયા અને તેમની ટીમ દ્વારા સંદીપભાઈને જાહેરમાં થૂકી ગંદકી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આ સાથે જ સંબંધિત વ્યક્તિને સૂચના આપવામાં આવી હતી કે ભવિષ્યમાં જાહેર સ્થળોએ ગંદકી ન કરે તેમજ સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાની જવાબદારી સમજી જાહેર સ્થળોએ ગંદકી ન કરે અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને. સ્વચ્છ શહેર માટે નાગરિકોના સહકાર વિના આ પ્રયાસો પૂર્ણ થવા શક્ય નથી. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya