

પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા અને જનસુખાકારીના કામોનું સુચારુ આયોજન કરવાના હેતુથી કલેક્ટર કચેરી ખાતે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન મંજૂર થયેલા વિવિધ વિકાસલક્ષી કામોની ભૌતિક અને નાણાકીય પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીઓએ પાછલા વર્ષોના અધૂરા કામોને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયા અને વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનો તાગ મેળવી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મંત્રીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જે કામો હાલ પ્રગતિમાં છે તેને ઝડપથી પૂર્ણ કરવા, તેમજ અનિવાર્ય સંજોગોમાં રદ કરવાના થતા કામો કે કામોની ફેરબદલી અંગેના દરખાસ્તોનો ત્વરિત નિકાલ લાવવો, જેથી વિકાસના કામોમાં કોઈ અવરોધ ન આવે. લોકોની જરૂરિયાત મુજબના કામોને પ્રાધાન્ય આપી જિલ્લાના માળખાકીય વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે અધિકારીઓને ઝડપી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થયા હતા, જેમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, મંત્રીના અંગત સચિવ જે.બી. વદર, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ અને નેહા સોજીત્રા તેમજ જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર સહિત વિવિધ વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya