
ભાવનગર,24 માર્ચ (હિ.સ.)ભાવનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ ઝડપથી ફેલાતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ચાલી રહેલી આ અફવાઓના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી, કારણ કે લોકો ભવિષ્યમાં ઇંધણ ન મળે તેવી ભીતિથી તાત્કાલિક પેટ્રોલ ભરાવવા દોડી આવ્યા હતા.
શહેરના મુખ્ય માર્ગો પર આવેલા પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ભીડ જોવા મળી હતી. ઘણા સ્થળોએ વાહનોની કતારો રસ્તા સુધી લંબાઈ ગઈ હતી.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી.
તંત્રએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર અધિકૃત સ્ત્રોતોથી મળતી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે. સાથે જ અનાવશ્યક રીતે ઇંધણ સંગ્રહ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી અન્ય લોકોને મુશ્કેલી ન પડે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT