
નવસારી, 25 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામની ગાયત્રી સખી મંડળ સાથે જોડાયેલી સીતાબેન પ્રવીણભાઈ પટેલ આજે આત્મનિર્ભર મહિલાશક્તિનું જીવંત ઉદાહરણ બની ઉભી છે. એક સામાન્ય ગ્રામ્ય પરિવારમાંથી આવતી સીતાબેન માટે જીવનમાં આર્થિક મજબૂતી લાવવી સરળ બાબત નહોતી. મર્યાદિત આવક, પરિવારની જવાબદારીઓ અને સંજોગો વચ્ચે પણ તેમણે હિંમત હાર્યા વગર કંઈક નવું કરવાની ઈચ્છા જાળવી રાખી.
શરૂઆતમાં સીતાબેન પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા હતા, પરંતુ ઓછા વળતરના કારણે જીવનમાં ખાસ ફેરફાર આવતો નહોતો. ત્યારે તેમણે કંઈક એવું કરવાની વિચારણા કરી જે ઓછી જગ્યામાં, ઓછી મૂડીમાં અને ઓછા સમયમાં વધુ આવક આપી શકે. આ વિચાર સાથે તેમણે મશરૂમ ખેતી તરફ પગલું ભર્યું જે આજે તેમના જીવનમાં મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું છે.
મશરૂમ ખેતી અંગે શરૂઆતમાં તેમને ખૂબ ઓછું જ્ઞાન હતું. પરંતુ “શીખવા માટેની ઇચ્છા” અને “આગળ વધવાની તલપ” તેમને આગળ ધપાવતી રહી. તેઓએ તાલીમ, માર્ગદર્શન અને પ્રયોગો દ્વારા ધીમે ધીમે આ ખેતીની બારીકીઓ સમજવી શરૂ કરી. શરૂઆતના દિવસોમાં પડકારો પણ આવ્યા તાપમાન જાળવવું, ભેજનું પ્રમાણ નિયંત્રિત કરવું અને ગુણવત્તા જાળવવી પણ સીતાબેનના સંકલ્પ સામે આ તમામ મુશ્કેલીઓ નાની પડી ગઈ.
આ સફરમાં સરકારની સહાય અને માર્ગદર્શન સીતાબેન માટે આશીર્વાદરૂપ બન્યું. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત નાયબ બગાયત નિયામક કચેરી નવસારી દ્વારા MIDH ગાઇડલાઇન મુજબ તેમને મશરૂમ ઉત્પાદન માટે યુનિટ કોસ્ટ પ્રોજેક્ટમાં સહાય મળી. આ ઉપરાંત સ્પાન મેકિંગ માટેના યુનિટ પ્રોજેક્ટમાં પણ સહાય મળતા સીતાબેનને પોતાના વ્યવસાયને વધુ વ્યાપક બનાવવાની તક મળી. આથી તેઓ માત્ર ઉત્પાદન પૂરતું જ નહીં, પરંતુ ગુણવત્તાસભર બીજ (સ્પાન) તૈયાર કરીને વધુ આવકના સ્ત્રોત ઉભા કરી શક્યા. આ પગલું તેમને નાના ઉદ્યોગસાહસિક તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયું.
સમયાંતરે મળતા ટેકનિકલ સપોર્ટ અને માર્ગદર્શનથી સીતાબેનને મશરૂમ ખેતીમાં નિષ્ણાત બનવામાં મદદ મળી. નાયબ બગાયત નિયામક, નવસારી દ્વારા આપવામાં આવતી સલાહ જેમ કે યોગ્ય તાપમાન, ભેજ, સ્વચ્છતા અને પેકેજિંગ આ બધાએ તેમની ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કર્યો. પરિણામે તેમની પ્રોડક્ટની માંગ વધવા લાગી અને તેમને યોગ્ય ભાવ મળવા લાગ્યો.
સીતાબેન પોતાના સફળતા માટે આભાર વ્યક્ત કરતા કહે છે કે “સરકાર તરફથી મળેલી આર્થિક સહાય સાથે સમયાંતરે મળતું ટેકનિકલ માર્ગદર્શન અને પ્રોત્સાહન ન મળ્યું હોત, તો આજે હું આ સ્થાને ન પહોંચી શકત.” તેઓ ખાસ કરીને નાયબ બગાયત નિયામક નવસારીનો આભાર માને છે, જેમણે સતત માર્ગદર્શન આપી તેમને આગળ વધવા પ્રેરિત કર્યા.
આજે સીતાબેન ઓછી જગ્યામાં મશરૂમ ઉત્પાદન કરીને સારો નફો મેળવી રહ્યા છે. ઘરઆંગણે શરૂ કરેલી નાની પહેલ આજે સ્થિર આવકના સ્ત્રોતમાં પરિવર્તિત થઈ ગઈ છે. તેમના જીવનમાં આર્થિક સ્વતંત્રતા સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે. તેઓ હવે પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે અને પરિવાર માટે મજબૂત આધાર બની છે.
સીતાબેનની આ સફળતા માત્ર વ્યક્તિગત નથી, પરંતુ સામાજિક પરિવર્તનની દિશામાં પણ મહત્વપૂર્ણ છે. ગાયત્રી સખી મંડળની અન્ય બહેનો પણ તેમની પ્રેરણાથી મશરૂમ ખેતી તરફ આકર્ષાઈ રહી છે. ગામમાં મહિલાઓ માટે રોજગારી અને સ્વરોજગારીના નવા રસ્તા ખુલ્યા છે, જે સમગ્ર ગ્રામ વિકાસ માટે સકારાત્મક સંકેત છે.
સીતાબેન હવે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. “જો હું કરી શકું છું, તો તમે પણ કરી શકો” આ મંત્ર સાથે તેઓ “સશક્ત મહિલાશક્તિ”ના સુંદર ઉદાહરણ તરીકે ઉભરી રહી છે.
આ સફળતા કથા એ દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સરકારની યોજનાઓનો લાભ અને અડગ મહેનતથી કોઈપણ વ્યક્તિ પોતાની પરિસ્થિતિને બદલી શકે છે. સીતાબેન પ્રવીણભાઈ પટેલની આ સફર “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરતી પ્રેરણાદાયક કહાની છે, જે દરેક માટે આશા અને હિંમતનો સંદેશ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે