



પોરબંદર, 25 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ભગવાનશ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે માધવપુર ઘેડ મેળાનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ માધવપુર ઘેડ ખાતે તા.27 માર્ચથી 30 માર્ચ 2026 દરમ્યાન માધવપુરના મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે અને તા.31 માર્ચના રોજ દ્વારકા ખાતે દેવી રુક્મિણી અને ભગવાનશ્રી કૃષ્ણનું ભવ્ય સ્વાગત કાર્યક્રમ સાથે મેળો સંપન્ન થશે.
માધવપુર ખાતે માધવપુર ઘેડ મેળા આયોજનને લઈને તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની થીમ અંતર્ગત સરકાર દ્વારા આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા.27 માર્ચના સાંજના 6 કલાકે માધવપુર મેળાની વિધિવત શરૂઆત થવાની છે. આ મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ લોકમેળાને હવે રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો એક અનેરો પ્રસંગ છે, જે વડાપ્રધાનના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે.ત્યારે આ વર્ષે માધવપુર મેળો 2026 દરમિયાન પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોના લોકનૃત્ય, લોકસંગીત અને રેતી કલા પ્રદર્શન તેમજ રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃતિનો રંગ જામશે. સાથે જ મેળામાં ફૂડ સ્ટોલ, ક્રાફ્ટ સ્ટોલ અને હસ્તકલાના વિવિધ સ્ટોલ દ્વારા લોકલ ફોર વોકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ ઉપરાંત “આનંદ નગરી” વિસ્તારમાં બાળકો અને યુવાનો માટે વિવિધ રાઈડ્સ અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી પરિવાર સાથે આવનાર મુલાકાતીઓને મનોરંજન મળી રહે. સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પણ તંત્ર દ્વારા જરૂરી આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.
માધવપુર ઘેડ મેળો- 2026 ને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે મેળો વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે સરકારી તંત્ર દ્વારા તમામ સ્તરે તૈયારીઓ તેજ ગતિએ આગળ વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya