

મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : વિસનગર શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન રામની પાંચમી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના ઐતિહાસિક રામદ્વારા મંદિર ખાતેથી પ્રારંભ થઈ હતી, જેમાં ભગવાન રામને નૂતન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. પરંપરાગત ચડાવો અને આરતી બાદ વાલ્મિકી સમાજની બહેનોના હસ્તે યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાયું હતું.
શોભાયાત્રા દીપક ચાર રસ્તા, દરબાર રોડ, એક ટાવર, લાલ દરવાજા, ઉમિયા માતા મંદિર, ગંજ બજાર ફાટક, રેલવે સર્કલ, ગૌરવપથ અને માયા બજાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને પરત મંદિરે પહોંચી હતી. યાત્રામાં 25 ટ્રેક્ટર, 3 ઊંટલારી, 3 બગીઓ અને ડી.જે.નો સમાવેશ થયો હતો, જ્યારે તલવારબાજી કરતી યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
શોભાયાત્રા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શહેર પી.આઈ. કે. બી. પટેલ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ સ્વાગત કરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માર્ગ પર સેવા કેમ્પો પણ યોજાયા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રકાશ પટેલ અને મહેન્દ્ર પટેલ સહિત અનેક અગ્રણીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR