

પોરબંદર, 26 માર્ચ (હિ.સ.) : ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા.27/03/2026થી તા.30/03/2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે.
આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ તડામાર ગતિએ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya