

પોરબંદર, 26 માર્ચ (હિ.સ.)માધવપુર બીચ ખાતે રેત શિલ્પકલાકારો દ્વારા તૈયાર કરાયેલ રેતશિલ્પો આકર્ષણનું કેન્દ્ર બનશે.
કલાકારોએ હાથની કળાથી કૃષ્ણ–રુક્મિણી વિવાહ, એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસિત ગુજરાત, ગુજરાત ટુરીઝમ લોગો અને માધવપુર મેળાની થીમ પર બનેલા શિલ્પો લોકોમાં ઉત્સાહનો રંગ ઉમેરશે.
માધવપુર ખાતે આવતીકાલે તા.૨૭ માર્ચથી મેળો શરૂ થશે.
ત્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ લલિતકલા અકાદમી તેમજ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માધવપુર બીચ ખાતે ભવ્ય રેતકલા કૃતિઓનું આયોજન કરાયું છે. આ કૃતિઓ મેળાનાં પવિત્ર અને સાંસ્કૃતિક પ્રસંગને વધુ આકર્ષક બનાવશે.
આ શિલ્પો પૈકી કૃષ્ણ–રુક્મિણી થીમ પર ભવ્ય રેતકલાનું નિર્માણ કરાયું છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના દૈવી વિવાહ પ્રસંગને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરતી “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત રેતકલા દેશની એકતા, વિકાસ અને સંસ્કૃતિના સંગમનું પ્રતીક બની છે.
ઉપરાંત, રાજ્યના વિકાસ અને ગૌરવને દર્શાવતી “વિકસિત ગુજરાત” થીમ આધારિત રેતકલા ગુજરાતના વિકાસ, પ્રગતિ અને ઓળખને ઉજાગર કરશે. આ ઉપરાંત અન્ય શિલ્પોમાં ગુજરાત પ્રવાસનનો લોગો તેમજ માધવપુર મેળાની થીમ પર બનાવેલ રેતકલા કૃતિઓ દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની મેળાની ભવ્યતા વધારશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીચ ખાતે બનાવેલા સુંદર રેતશિલ્પોને નિહાળવા અને શિલ્પો સાથે કેમેરામાં સેલ્ફી લેવા દર વર્ષે ખાસ કરીને યુવાનોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે આ વર્ષે પણ બનાવેલા શિલ્પો લોકોમાં ઉત્સાહનો રંગ ઉમેરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya