સુરતના સખી વન સ્ટોપ સેન્ટરે પિતા-પુત્રી વચ્ચેની ગેરસમજનું સમાધાન કરી દીકરીનું પરિવાર સાથે પુનઃસ્થાપન
સુરત, 27 માર્ચ (હિ.સ.): સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમની અદલાબદલી શંકા અને બંધન સાથે થાય, ત્યારે હર્યાભર્યા પરિવારો વેરવિખેર થઈ જતા હોય છે. સુરતના ''સખી વન સ્ટોપ સેન્ટરે’ તાજેતરમાં જ એક 20 વર્ષીય દીકરી અને તેના પિતા વચ્ચેના મનભેદ દૂર કરી, તૂટતા સંબંધન
Surat


સુરત, 27 માર્ચ (હિ.સ.): સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમની અદલાબદલી શંકા અને બંધન સાથે થાય, ત્યારે હર્યાભર્યા પરિવારો વેરવિખેર થઈ જતા હોય છે. સુરતના 'સખી વન સ્ટોપ સેન્ટરે’ તાજેતરમાં જ એક 20 વર્ષીય દીકરી અને તેના પિતા વચ્ચેના મનભેદ દૂર કરી, તૂટતા સંબંધને ફરીથી મજબૂત બનાવવાનું સંવેદનશીલ કાર્ય કર્યું છે.

પાલ આરટીઓ વિસ્તારમાં રહેતી અને બીસીએ (BCA)નો અભ્યાસ કરતી 20 વર્ષીય અનીષા(નામ બદલ્યું છે) અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં માતા-પિતાની અતિશય રોકટોક અને નોકરી ન કરવાના દબાણથી માનસિક રીતે ત્રસ્ત થઈ ગઈ હતી. ભૂતકાળની એક ભૂલને પકડી રાખીને માતા-પિતા દ્વારા થતી હેરાનગતિ એટલી વધી ગઈ હતી કે, પરીક્ષાના દિવસે પિતા ગેટ પર પહેરો ભરતા હોવા છતાં, તક મળતા જ યુવતી પોતાની આઝાદી અને ન્યાય માટે ઉમરા પોલીસ મથકે પહોંચી હતી. જ્યાંથી તેને સુરક્ષિત રીતે 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે આશ્રય માટે મોકલવામાં આવી હતી.

સખી સેન્ટરના સ્ટાફ અને કાઉન્સેલર દ્વારા યુવતીનું સઘન કાઉન્સેલિંગ કરાયું જેમાં જણવા મળ્યું કે, ભૂતકાળના પ્રેમ સંબંધોને કારણે માતા-પિતા તેના પર વિશ્વાસ કરતા નહોતા અને લગ્ન માટે દબાણ કરતા હતા. બીજી તરફ પાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ(PI અને PSI) એ પણ સેન્ટર પર આવી યુવતીને સમજાવવા પ્રયત્નો કર્યા હતા. સેન્ટરના સ્ટાફ દ્વારા યુવતી અને પિતાને સમજાવીને બંન્ને વચ્ચે સ્નેહભર્યો સંવાદ સાધ્યો હતો. પિતાને સમજાવવામાં આવ્યા કે, ટીનેજર્સ સાથે સંવેદનશીલ વર્તન જરૂરી છે અને સંતાનો પોતાની ભૂલમાંથી જ શીખતા હોય છે. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે તેની રુચિ મુજબ અભ્યાસ અને કારકિર્દીની તક આપવી એ માતા-પિતાની ફરજ છે.

સતત કાઉન્સેલિંગના અંતે પિતા-પુત્રી વચ્ચેની ગેરસમજ દૂર થઈ હતી. અને બંને વચ્ચે ફરી ભાવનાત્મક સેતુ બંધાયો હતો. પિતાએ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાની ખાતરી આપી હતી. અંતે, સખી વન સ્ટોપ સેન્ટરની સુઝબુઝને પરિણામે યુવતી આનંદ સાથે પરિવાર પાસે પરત્ફરી હતી.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત 'સખી વન સ્ટોપ સેન્ટર'ની સમયસૂચકતા અને મમતાભર્યા અભિગમથી એક દીકરીના જીવનમાં ફરી શિક્ષણનો દિપ પ્રજ્વલિત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande