

પાટણ, 28 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના વડલી ગામે આવેલ સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર સાથે દેવોના શિખરો અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવ સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી પૂનમ સુધી યોજાશે, જેમાં 108 હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ રહેશે. સંકુલમાં શ્રી સિકોતર માતાજી, બાબા રામદેવપીર અને બ્રહ્માણી માતાજીના મંદિરોનો નવીકરણ કરવામાં આવ્યો છે.
મહોત્સવનો પ્રારંભ 31 માર્ચ, 2026ના રોજ કળશયાત્રા અને શોભાયાત્રા સાથે થશે. સવારે 7:30 વાગ્યે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસથી યાત્રા નીકળી ગામની પરિક્રમા કરીને મંદિરે પરત ફરશે. પ્રથમ દિવસે રાત્રે લોકડાયરો યોજાશે, જેમાં અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી કલાકારી રજૂ કરશે.
બીજા દિવસે યજ્ઞપૂજાના વિવિધ વિધિઓ જેમ કે પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ થશે. ત્રીજા અને મુખ્ય દિવસે 2 એપ્રિલ, 2026ના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે, જેમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાશે.
મહોત્સવની પૂર્ણાહુતિએ રાસગરબા અને 501 દીવાની મહાઆરતીનું આયોજન થશે. આ સમગ્ર કાર્યક્રમ ભુવાજી વિરચંદભાઈ પ્રજાપતિ પરિવાર અને ભક્તજનોના સહયોગથી યોજાયો છે. ભક્તો માટે ત્રણેય દિવસ પ્રસાદની વ્યવસ્થા સાથે સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે, અને આ ત્રિમંદિર યાત્રાધામ આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ